તારો પતિ મરી ગયો હવે અહીં તારો કોઈ હક નથી, સાસરિયાઓએ વિધવા પત્ની પર ત્રાસ ગુજાર્યો

મંગળવાર, 16 જુલાઈ 2024 (13:18 IST)
લગ્નના એક દાયકા જેટલા સમય બાદ પતિનું મૃત્યુ થતાં પત્નીને સાસરિયાઓએ વિધવાનું જીવન જીવવા મજબૂર કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સાસરિયાઓ તરફથી પરીણિતાને ઘરની બહાર નહીં નીકળવા અને એક રૂમમાં બેસીને માળા કરવાની અને મોબાઈલને પણ અડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તે ઉપરાંત તેની સાથે શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ મામલે 10થી વધુ લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
લગ્ન બાદ જેઠ જેઠાણી વાંઝણી કહેતા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિલાએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ તેના પિયરમાં રહે છે. તેના પતિ ગત મે મહિનામાં મૃત્યુ પામ્યા હતાં. તેના લગ્ન 2013માં સામાજિક રીત રિવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદ અમે બંને પતિ પત્ની વડોદરા ખાતે રહેવા ગયા હતાં. ત્યાર બાદ મારા સાસુને કેન્સરની બિમારી થતાં અમદાવાદમાં ચાંદખેડા ખાતે રહેવા આવ્યા હતાં. સાસુના મોત બાદ સસરાને પણ કેન્સર થયું હતું. પતિને ધંધો સેટ નહીં થતાં તેઓ વડોદરા ગયા હતાં અને હું સસરાની સેવા ચાકરી કરવા માટે સાસરીમાં રોકાઈ હતી. આ દરમિયાન તેના જેઠાણી તેને વાંઝણી કહીને ટોણા મારતાં હતાં અને નાની નાની બાબતોમાં ઝઘડો કરતાં હતાં. મારા જેઠ પણ મારી સાથે ઝગડો કરતાં હતાં. ત્યાર બાદ મારા પતિ સાથે વડોદરા રહેવા ગઈ હતી. ત્યાર બાદ સસરા પણ મૃત્યુ પામ્યા હતાં. 
 
હવે તારે લાલ કપડા નહીં પહેરવાના
સસરાની પ્રથમ પુણ્ય તિથીએ અમે અમદાવાદ આવ્યા હતાં. ત્યાં મારા પતિએ તેમના ભાઈઓને કહ્યું હતું કે, મારી પાસે તમે આપણા ચાંદખેડા ખાતેના મકાનનુ બીન અવેજ રીલીઝ ડીડ કરાવેલ છે અને એક માસમાં નાણા પરત આપવાની વાત થયેલ હતી તો તમે મને મારા હિસાના નાણા આપી દો જેથી હું બીજુ મકાન લઈ શકુ તેમ વાત કરતા આ મારા બન્ને જેઠ તેમજ જેઠાણી નાઓ મારા પતિ તેમજ મારી સાથે ઝગડો કર્યો હતો અને અમારી પાસે પૈસા નથી અને તને પૈસા મળશે નહીં. ત્યાર બાદ અમે વડોદરા રહેવા જતા રહ્યા હતાં. પતિએ મિલકતના ઝઘડા બાદ આપઘાત કર્યો હતો. મારા પતિની અંતિમ વિધિ બાદ મારા જેઠાણી, નણંદ મારી પાસે આવીને કહેતા હતાં કે, હવે તારે લાલ કપડા નહીં પહેરવાના માત્ર સફેદ સાડી પહેરવાની છે. તારી પાસે મોબાઈલ ફોન નથી રાખવાનો અને ઘરની બહાર પણ નથી નીકળવાનું.
 
તુ વાંઝણી છે અને તારો પતિ પણ મરી ગયો છે
એક રૂમમાં બેસીને માળા કરવાની અને વિધવાની જીંદગી જીવવાની છે. મેં તેમને કહ્યું હતું કે, મારા પર આવા નિયમો કેમ લગાવો છો. તો તેમણે કહ્યું હતું કે તુ વાંઝણી છે અને તારો પતિ પણ મરી ગયો છે જેથી અમે કહીએ એમજ તારે કરવાનું છે. તારા કોઈ સગા વ્હાલા પણ અહીં આવવા ના જોઈએ. ત્યાર બાદ થોડા દિવસમાં મારા જેઠ મારા વાળ પકડીને મને બહાર કાઢતાં હતાં અને કહેતા હતાં કે હવે આ ઘરમાં તારો કોઈ હક નથી. હવે પછી અહીં દેખાઈ તો જાનથી મારી નાંખીશું. આ બાબતે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર