રાજ્યમાં ફરી એકવાર કોરોના કહેર ઘટતાં સ્થિતિ સામાન્ય થતી જાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજથી ફરી એકવાર સ્કૂલો બાળકોના કોલાહલથી ગૂંજી ઉઠશે. આજથી ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વર્ગમાં બેસીને શિક્ષણ મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધડાધડ કોરોના કેસ વધતાં 8 જાન્યુઆરીથી ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે સોમવાર (આજ)થી ફરીવાર ઓફલાઈન વર્ગોને મંજૂરી મળી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં સળવળાટ જોવા મળ્યો હતો. શાળા સંચાલકો, આચાર્યોએ રવિવારે જ પ્રત્યક્ષ શિક્ષણ સંબંધિત ચર્ચા, વિચાર વિમર્શ બાદ વિદ્યાર્થીઓની હાજરી મુદ્દે વાલીઓને વોટ્સએપ મેસેજ કરી દીધા હતા.