ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનને કારણે હવે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે આ વર્ષે સુરત સહિત ગુજરાતમાં લોકોને શિયાળાની ઋતુની રાહ જોવી પડી હતી. ડિસેમ્બરની શરૂઆતમાં જ તાપમાનનો પારો ગગડતો હતો અને ઠંડીનું મોજું અનુભવાતું હતું, પરંતુ આ વખતે ડિસેમ્બરના અંત તરફ ઠંડીનું મોજું શરૂ થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ડિસેમ્બર મહિનો પાંચ વર્ષમાં સૌથી ગરમ મહિનો હતો. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગ્લોબલ વોર્મિંગની અસર દેખાવા લાગી છે, તો આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે પવનની પેટર્નમાં ફેરફારને કારણે ઠંડીનું મોજું મોડું પહોંચ્યું હતું અને ડિસેમ્બર મહિનામાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ડિસેમ્બર મહિનામાં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે કે ડિસેમ્બરમાં માર્ચ જેવી ગરમી અનુભવાઇ હતી.