અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નવા બની રહેલા મકાનના ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિરમગામ ટાઉન પોલીસે હાથી તલાવડી પાસે બની રહેલા મકાનના ભોંયરામાંથી 1.28 લાખની વિદેશી દારુની નાની 804 બોટલો કબજે કરી હતી. પોલીસે સાગરીતની ધરપકડ કરી લીધી છે પણ મહિલા કોર્પોરેટરના પતિ ફરાર થઈ ગયાં છે. વિરમગામ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. હાથી તલાવડી પાસેના ઘરના ભોંયરાની અંદર એક રૂમમાં તાળું તોડીને જોતાં વિદેશી દારુની બોટલો મળી આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપી મિહિર અને તેના ભાઈ સામે અગાઉ પણ દારુના કેસો થયેલા છે. પોલીસને બાતમી મળી હતી કે મિહીર દિનેશભાઇ સીતાપરાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને ખાનગી રીતે છુટકમાં શૈલેષભાઇ ચોથાજી ઠાકોર પાસે વેચાણ કરાવે છે. બાતમીના આધારે રેડ કરતા મિહીર દિનેશભાઇ સીતાપરાના નવા બનતાં મકાનમાં આવેલા ભોંયરામાં એક રૂમને તાળું હતું જે તોડી અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલબંધ કાચની નાની-મોટી બોટલો જેની કુલ કિમત.રૂ 1.28 લાખની મળી આવી હતી. મકાનમાં દરોડા દરમિયાન શૈલેષભાઇ ચોથાજી ઠાકોર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસે શૈલેષની ધરપકડ કરી તથા આરોપી મિહીર દિનેશભાઇ સીતાપરાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.