મુખ્યમંત્રીએ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડીકલ સ્ટાફને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોનાની સારવાર લઇ રહેલા સંક્રમિત વ્યક્તિઓના સ્વજનો પાસેથી વિગતો મેળવી હતી અને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ વિશે પૃચ્છા કરી અને ખબર- અંતર પૂછ્યા હતા.
પાલનપુર ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કોઈપણ ગામડામાં પોઝિટિવ કેસ આવે તો તેને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહેશે. આવનારી ત્રીજી વેવમાં ઓક્સિજનની ઘટ ન થયા તેવા પ્રયત્નો છે.
હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપણે પૂરતા આપ્યા છે. બનાસકાંઠામાં 18 હજાર ઈન્જેક્શન આપ્યા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઇ રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી તેમાંથી બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ ફાળવી છે.