મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસની બિમારીનો ગુજરાતમાં ભોગ બનેલા વ્યકિતઓ પૈકી સમયસરની સારવારથી સાજા થઇ પોતાના ઘરે જઇ રહેલી ૪ જેટલી વ્યકિતઓ સાથે સ્વજન સહજ સંવાદ કરીને તેમને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કોરોના વાયરસની બિમારીનો ભોગ બનેલા અને હોસ્પિટલમાં સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ પોતાના ઘરે જઇ રહેલા સુરતના રિટાબહેન બચકાનીવાલા, અમદાવાદના સુમિતિ સિંગ, ફિદા હૂસૈન સૈયદ તેમજ શમ્માદ બેગમ સૈયદ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી જનસંવાદ કેન્દ્ર માધ્યમ દ્વારા ટેલિફોનિક સંવાદ કર્યો હતો.
વિજય રૂપાણીએ આ ચારેય વ્યકિતઓ પાસેથી તેમને તબીબો, પેરામેડીકલ, હોસ્પિટલ સ્ટાફ વગેરે તરફથી મળેલા સહયોગ અને સુશ્રુષા સુવિધાની પૃચ્છા કરી હતી.
વિજયભાઇ રૂપાણી સી.એમ કોમન મેન તરીકે આગવી સંવેદના સાથે અવારનવાર સામાન્ય નાગરિકો, સમાજના વિવિધ તબક્કાના અદના આદમી-વ્યકિતઓ સાથે આવો સ્વજન ભાવ તેમની સાથે વાતચીત કરીને દાખવતા રહે છે. મુખ્યમંત્રીએ કોરોનાની આ મહામારીનો રાજ્યમાં ભોગ બનેલા રોગીઓની સારવાર સુશ્રુષા, કવોરેન્ટાઇન થયેલા વ્યકિતઓને અપાતી સુવિધાઓ તેમજ દવાઓ વગેરે અંગે અગાઉ મુખ્યમંત્રી નિવાસસ્થાનના જનસંવાદ કેન્દ્ર પરથી સીધી જ સારવારગ્રસ્તો સાથે વાતચીત કરીને માહિતી મેળવેલી છે.
મુખ્યમંત્રીએ કોરોના રોગની સારવાર બાદ હોસ્પિટલમાંથી સાજા થઇ રજા મળતાં પોતાના સ્વજનો-પરિવાર પાસે જઇ રહેલા રિટાબહેન, સુમિતિ સિંગ, ફિદા હુસૈન તેમજ શમ્માદ બેગમને સ્વસ્થ-તંદુરસ્ત જીવન સાથે સતર્ક રહેવાની અને દીર્ધાયુની શુભકામનાઓ આપી હતી. વિજય રૂપાણીએ સોમવારે પોતાના સંવેદનશીલ વ્યકિત્વ અને ‘‘સૌના વિજયભાઇ’’ની છબિને ઊજાગર કરતું આ વધુ એક દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.