ઉલ્લેખનીય છે કે કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર મોટી ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી શ્રમજીવી મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળ ક્રેન મારફતે ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું હતું.1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક લઈ ક્રેન બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ આજે વડોદરા નજીક કરજણમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર બાંધકામ સાઈટ પર ગર્ડર લોન્ચરની કામગીરી 14 કિમી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આજે વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાને ક્રેન પહોંચી હતી. ક્રેનને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ સ્થાન પર ખસેડવામાં આવી હતી. ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી અનલોડ કરતી વખતે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો આથી લોંન્ચિંગ કરતી વખતે ક્રેનના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું. વ્હીલ બેઝ ચેક કરવાનો પ્રયાસ કરી રહેલો એક કામદાર ફસાઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.