સાળંગપુરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, વડોદરા ગુરુકુળના સ્વામીનું વિવાદસ્પદ નિવેદન

સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (13:59 IST)
ગગનમાં તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરીઃ દર્શનવલ્લભ સ્વામી
 
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વકરેલો વિવાદ વધુ ગાજ્યો છે. સંતોની મળેલી બેઠકમાં સમગ્ર બાબતનો કોઈ ઉકેલ નહીં આવતાં હવે આ મુદ્દો વધુ જટીલ બની રહ્યો છે. ભીંતચિત્રો પર કાળો કૂચો મારીને ફટકા મારવાની ઘટના બાદ મંદિર પરિસરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયમાં રોજ ભભુકી ઉઠ્યો છે. સાળંગપુર વિવાદ અંગે વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.
 
વજુભાઈએ કહ્યું હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ
વિવાદનો ઉકેલ નહીં આવતા મંદિર પરિસરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 5 DySP, 10 PI, 8 PSI, 275 પોલીસ, 2 SRPની ટીમ, 115 GRD અને હોમગાર્ડ ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે, હનુમાનજી સૌના વડીલ છે. હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ. હું ભારતીય સંસ્કૃતિના સંપ્રદાય સાથે છું. મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે. 
 
વાયરલ થયેલા વીડિયોમાં સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું
નૌતમ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી બાદ હાલ સોશિયલ મીડિયામાં સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો વીડિયો વાયરલ થતાં મામલો વધુ બિચક્યો છે. વડોદરા  ગુરુકુળના સ્વામી દર્શનવલ્લભ સ્વામીએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું છે કે, ગગનના તારા જેટલાં  શત્રુઓ  ભેગા  થઇ  જાય તો પણ  અમારા સ્વામીનારાયણ  ભગવાન  જ સર્વોપરી છે. મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા  બંધ  કરી દો.ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર