આવતીકાલે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે વાવાઝોડું, બસ આટલું જ દૂર છે
રવિવાર, 16 મે 2021 (20:09 IST)
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તાઉતે સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.
પંકજ કુમારે ઉમેર્યું કે, ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે આજે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે.
તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.
તેમણે ઉમેર્યું કે, સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાંરૂપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૂર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
આજે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ માટે ૨૦ NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ૬ SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે.
તેમણે કહ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, દરિયાકાંઠાના જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીઓને સંભવિત સંવેદનશીલ ગામોના આશ્રયસ્થાનો પર આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે અને સ્થળાંતર વેળાએ કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેની પણ કાળજી રખાશે. કોવિડ-૧૯ અન્વયે જરૂરી પાવર બેકઅપ, જનરેટર, દવાઓ, ઓક્સિમીટર, ઓક્સિજન બોટલો તથા અન્ય સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવાનું સંપૂર્ણ આયોજન છે. સગર્ભા સ્ત્રીઓની ઓળખ કરીને સલામત સ્થળે પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, વાવાઝોડા સંદર્ભે મુખ્ય સચિવશ્રીના સીધા મોનિટરિંગ હેઠળ વિવિધ વિભાગો તથા કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને સુચારૂરૂપે આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમાં સૌ નાગરિકો સંપૂર્ણપણે સહયોગ આપે અને કામ વગર વાવાઝોડુ જોવા માટે પણ બહાર ન નીકળવા અને સંપૂર્ણ સલામત રીતે ઘરમાં જ રહેવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.