સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ
બુધવાર, 15 ડિસેમ્બર 2021 (10:24 IST)
ગુજરાતમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં રહેતા હીરાવેપારી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતા અને આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા હતા.
જે બાદ ચોથો કેસ સુરતમાં નોંધાયો છે અને તે 44 વર્ષીય હીરાવેપારી છે.
ઍરપૉર્ટ પર કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. જોકે ઘરે પહોંચ્યા બાદ આ હીરાવેપારીની તબિયત બગડી હતી, જે બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
આ હીરાવેપારી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી સુરત પરત ફર્યા હતા.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીબીસીના સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ દર્દીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે."
કમિશનર પાનીએ કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં જ ગુજરાત સરકારની જિનોમ સિક્વન્સિંગ લૅબમાં તેમના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.
આ રિપોર્ટ મળતાં જ તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો, મિત્રો અને હૉસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેમનાં બાળકો શાળાએ જતાં હોવાથી સ્કૂલના પણ અન્ય લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દર્દીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે રવિવારે સુરત શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણના આઠ નવા કેસ નોંધાયા હતા, એ અગાઉ શનિવારે 11 કેસ નોંધાયા હતા.
આ સાથે જ સુરત જિલ્લાના વલસાડ અને નવસારીમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા હતા.
શનિવારે સુરતમાં એક આઠ વર્ષીય બાળક પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયું હતું.
અહેવાલો પ્રમાણે આ બાળકના પરિવારજનો પણ પહેલાં સંક્રમિત થયા હતા અને તેઓ જે ઍપાર્ટમૅન્ટ રહે છે, એ ઍપાર્ટમૅન્ટમાં એક અઠવાડિયા દરમિયાન નવ કેસ નોંધાયા છે.
વધુ એક કેસ આવ્યા બાદ આ ઍપાર્ટમૅન્ટને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું હતું.
Omicron- દિલ્હીમાં ઓમિક્રૉન બોમ્બ ફૂટ્યો 4 નવા કેસ મળ્યા અત્યાર સુધી 6 સંક્રમિત, દેશભરમાં 45 કેસ
રાજધાની દિલ્હી(Delhi) માં કોરોના વાયરસ(Corona Virus) ના નવા વેરિએંટ ઓમિક્રોન(Omicron) ના કેસ વધી રહ્યા છે. વધુ ચાર દર્દીઓમાં ઓમિક્રોન વેરિઅન્ટની(Omicron Variant) પુષ્ટિ થઈ છે, જેનાથી અહીં કુલ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે. આ તમામ છ દર્દીઓમાં હળવા લક્ષણો છે અને તેમાંથી એક સ્વસ્થ પણ થઈ ગયો છે, પરંતુ 5 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે દેશભરમાં કુલ દર્દીઓની સંખ્યા હવે 45 પર પહોંચી ગઈ છે.
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને મંગળવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 6 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે, જેમાંથી 1 દર્દી સ્વસ્થ થઈને ઘરે ગયો છે. ઓમિક્રોનના તમામ કેસ એવા લોકોમાં જોવા મળ્યા છે જેઓ વિદેશથી આવ્યા છે, તમામ કેસ સ્થિર છે અને સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જૈને માહિતી આપી હતી કે હાલમાં એલએનજેપી હોસ્પિટલમાં 35 કોવિડ સંક્રમિત દર્દીઓ અને 3 શંકાસ્પદ કેસ દાખલ છે. દિલ્હી સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.
વિદેશથી આવેલા કુલ 74 લોકોને અત્યાર સુધીમાં દિલ્હી એરપોર્ટથી LNJPમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 36ને રજા આપવામાં આવી છે, 38 દર્દીઓ હવે હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 35 કોરોના દર્દીઓ છે, જેમાંથી 5 ઓમિક્રોન પોઝિટિવ છે અને 3 શંકાસ્પદ છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.