ગુજરાતમાં 100માંથી અડધો ટકો વિદ્યાર્થીઓ SSC પછી આગળ અભ્યાસ કરતા નથી
સોમવાર, 6 માર્ચ 2017 (13:09 IST)
રાજ્યમાં SSC પછી ૧૦૦માંથી ૫૭ વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું બંધ કરી રહ્યાનો ઘટસ્ફોટ ગુજરાત સરકારે જાહેર કરેલા બજેટ અને આર્થિક, સામાજિક સર્વેક્ષણના અહેવાલોનું પૃથ્થકરણ કરતા પાથેયના રિપોર્ટમાં થયો છે.૭ વર્ષના ગુણોત્સવને કારણે ગુજરાત સરકારે ૧૦૦માંથી ૯૭ બાળકોને ધોરણ ૧માં એડમિશન આપીને સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ચોક્કસપણે ઘટાડયો છે પરંતુ, તેની સામે ધોરણ ૧૦ સુધી પહોચ્યા પછી તેમનો આગળ અભ્યાસ જાળવી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
પ્રાથમિકથી માધ્યમિક અને ત્યાંથી ઉચ્ચરત્તર માધ્યમિકમાં ટ્રાન્ઝેક્શન રેશિયાની સચોટ સ્થિતિ રજૂ કરતા રિપોર્ટમાં કહેવાયુ છે કે ”ભારતમાં આ રેશિયો અનુક્રમે વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૭.૭૦ ટકા અને ૨૦૧૪-૧૫માં ૬૯.૦૪ ટકા હતી. જેની સામે ગુજરાતનું પ્રમાણ અનુક્રમે ૬૨.૭૪ ટકા અને ૫૭.૨૬ ટકા રહ્યુ છે” ગુજરાતમાં સમાજના લગભગ તમામ વર્ગોમાં ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ – ૧૦ પછી આગળ અભ્યાસ કરતા નથી. અધવચ્ચે શિક્ષણ છોડી રહ્યા છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તરફ જતા નથી.માનવ સુચકઆંક ઉંચો લાવવા માટે ધોરણ ૮ કે ૧૦ સુધીનું ભણતર પુરતુ નથી. વિદ્યાર્થીઓને શિક્ષણ પછી એક જવાબદાર નાગરિક અને કુટુંબના જવાબદાર સભ્ય થઈને જીવન નિર્વાહ કરવા માટે આજીવિકા પણ કમાવી પડે. તેના માટે ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ્ડ ડેવલપમેન્ટ જરૃરી છે. જેને સરકારીતંત્ર પુરી પાડી શક્ય નથી. કારણ કે, સરકારે સરકારી કે ગ્રાન્ટેબલ શિક્ષણ સેવાઓને બદલે પ્રાઈવેટ, સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણ તરફ જોક વધાર્યો હોવાથી આ સ્થિતિ નિર્માણ પામી છે. એટલુ જ નહી, આંતરિયાળ વિસ્તારોમાં સરકારી શિક્ષણનો વ્યાપ ન વધ્યો તેના કારણે પણ માધ્યમિક પછી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ટ્રાન્ઝેક્શન રેશિયો ઘટી રહ્યો હોવાની હકિકત છે. ધોરણ – ૧૦ પછી ધોરણ -૧૧માં જવાને બદલે અનૂસૂચિત જાતિ- SCના ૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે. તેવી રીતે આદિવાસી-STના ૧૦૦માંથી ૪૪ વિદ્યાર્થી, અન્ય પછાત વર્ગો- OBCમાં ૫૧ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે. મુસ્લીમોમાં આ પ્રમાણ ૪૯ ટકા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.