આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને સમગ્ર દેશ આજે રામ ભક્તિમય બન્યો છે. ત્યારે વડોદરાના પાદરાના ભોજ ગામે કોમી છમકલાની ઘટના સામે આવી છે. ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પથ્થરમારાની ઘટનામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંને જૂથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યાના અરસામાં નીકળેલી યાત્રા ફરતી ફરતી બેલીમ વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક જ આસપાસની અગાસીઓ પરથી યાત્રા પર પથ્થરમારો શરૂ થતા લોકોમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી હતી.