સુરતમાં ચોંકાવનારો કિસ્સોઃ ચોથા ધોરણમાં ભણતા બાળકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (12:44 IST)
ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. સુરતમાં એક 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકે કોઈ બાબતે માઠુ લાગતા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડાથી ગળે ફાંસો ખાતા તેનુ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજી સુધી આપઘાત કયા કારણે કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 
 
સોસાયટીમાંથી રમીને આવ્યા બાદ ઘરમાં ફાંસો ખાધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અવધેશભાઈ લુમ્સના કારખાનામાં નોકરી કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. જે પૈકી નાનો દીકરો યશકુમાર 10 વર્ષનો હતો અને ઘરની નજીક આવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો હતો. ગતરોજ યશકુમાર અને તેનો ભાઈ બંને સાંજે સોસાયટીમાં રમીને બંને ઘરે આવ્યા હતા. અચાનક જ યશે રૂમનો દરવાજો બંધ કરી સિલિંગમાં લગાવેલ હુકમાં બાંધેલ દોરડા સાથે શર્ટ બાંધી ફાંસો ખાધો હતો. મોટાભાઈએ દરવાજો ખખડાવતા ખોલ્યો ન હતો. ત્યારબાદ દરવાજો ખોલી અંદર પ્રવેશતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
 
10 વર્ષના બાળકે આપઘાત કરતા તબીબ પણ ચોંક્યા
આ અંગે પિતાને જાણ થતા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. માત્ર 10 વર્ષના બાળકે આપઘાત કરતા તબીબ પણ ચોંકી ગયા હતા. તબીબે પણ પરિવારને દીકરાના આપઘાતના કારણ અંગે પૂછ્યું હતું. જોકે, પરિવારને કંઈ જ ખ્યાલ નહોતો.પાંડેસરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, 10 વર્ષના બાળકના આપઘાતનું કોઈ ચોક્કસ કારણમાં મળ્યું નથી. જોકે, બે ભાઈઓ વચ્ચે કોઈ તકરાર અથવા પરિવારમાં કોઈ તકરાર બાદ આવેશમાં આવીને આ પગલું ભર્યું હોય એવી શક્યતા જણાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર