સાણંદમાં યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં નહીં આવતાં ફાયર બ્રિગેડની વધુ 8 ગાડીઓ મોકલાઈ

ગુરુવાર, 25 જૂન 2020 (13:58 IST)
સાણંદ GIDCમાં જાપાનની યુનિચાર્મ ઇન્ડિયા નામની ડાયપર બનાવતી સૌથી મોટી જાપાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાને બીજો દિવસ થવા છતાં તેના પર કાબૂ મેળવી શકાયો નથી. આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડનો બીજી શિફ્ટનો સ્ટાફ 8 ગાડીઓ સાથે સાણંદ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહ્યો છે.  ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, હજી આગ ઉપર કાબૂ આવતાં સમય લાગી શકે છે પરંતુ હવે આગ પહેલાં જેટલી વિકરાળ નથી. યુનિચાર્મ કંપનીમાં આગ લાગ્યા બાદ તેમાં ફાયરસેફ્ટી પૂર્ણ રીતે કામ કરતી હતી કે કેમ તે મુદ્દે અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. જાપાનની ભારતીય સબસિડીયરી યુનિચાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દેશમાં છેલ્લા 15 વર્ષથી સક્રિય છે અને ભારતના અંદાજીત રૂ.6000 કરોડના ડાયપર માર્કેટમાં તેનો આશરે 35-40% જેટલો હિસ્સો છે. જ્યારે મોડર્ન ટ્રેડમાં તેની હિસ્સેદારી 40%થી વધુ છે. ગઈકાલે ગૃહમંત્રીની સૂચના મળતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી અનુસાર, NDRF ઉપરાંત ફાયરબ્રિગેડના 35 ફાયર ફાઈટર (બંબા) ઉપરાંત 250થી વધુ લાશ્કરો યુનિચાર્મ તથા આજુબાજુની ફેક્ટરીઓમાં લાગેલી આગને ઓલવવા માટે સતત પ્રયત્ન કર્યા હતા. યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 20 ફાયર ફાઇટર મોકલાયા હતા.  આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા. સેનિટરી નેપકિન બનાવતી જાપાનની યુનિચાર્મ ઇન્ડિયાએ વર્ષ 2018માં ગુજરાતમાં સાણંદ ખાતે ભારતનો તેનો બીજો પ્લાન્ટ શરૂ કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર