કોરોના કાબુમાં આવતાં જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી; મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી
બુધવાર, 2 જૂન 2021 (17:52 IST)
શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ અને મ્યુનિ. અધિકારીઓએ સોમવારે રથયાત્રાના રૂટ, ભયજનક મકાનો, તૂટેલા રસ્તાની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં સામાન્ય રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાના 2 મહિના પહેલાં જ શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાય તેમ ન હોવાથી પોલીસ પણ રથયાત્રાને લઈને નિશ્ચિંત હતી, પરંતુ એકાએક અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે પોલીસે મ્યુનિ. સાથે મળીને રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. શહેર પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓએ રૂટ પરના તૂટેલા રસ્તા રિપેર કરવા, નડતરરૂપ દબાણ, ભયજનક મકાન-ઝાડની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસે ધાબા પોઇન્ટ, સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરાઈ છે. આ સાથે અગાઉ રથયાત્રામાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી, કર્મચારીઓની યાદી બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે એક બાજુ પોલીસ અત્યારસુધી કોરોનાની ગાઇડલાઇનની વાતો કરતી હતી એ જ પોલીસ હવે રથયાત્રાની તૈયારીમાં જોડાઈ હોવાનો સૂર શરૂ થયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી રથયાત્રા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.