રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ઘેરીને સવાલો કર્યા

મંગળવાર, 28 મે 2024 (15:33 IST)
purushottam rupala
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 28માંથી માત્ર 11 લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. ત્યારે શાસક પક્ષ ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ ઘટનામાં ક્યાંય દેખાયા નહીં તેવી ચર્ચાઓ ચાલી હતી. ત્યારે રૂપાલા અચાનક મીડિયા સામે આવ્યા હતાં. ત્યારે લોકોએ પણ તેમને ઘેરી લીધા હતાં. 
 
ઘટનાના બીજા જ દિવસથી સવારે આઠ વાગ્યાનો અહીંજ છું
રૂપાલાએ પત્રકારોને કહ્યું હતું કે, અમે મૃતકોના સંબંધીઓ સાથે ચર્ચાઓ કરી હતી. અમારી માહિતી પ્રમાણે 17 DNA ટેસ્ટ અહીં પહોંચી ચૂક્યાં છે. બીજી વ્યવસ્થા હાલમાં પ્રોસેસમાં ચાલી રહી છે. રૂપાલાએ પત્રકારોના સવાલોના જવાબો આપતાં કહ્યું હતું કે, 27 લોકોના મૃતદેહો ઘટના સ્થળ પરથી મળ્યાં છે. હાલની સ્થિતિએ 10 લોકોના DNA ટેસ્ટનું મેચિંગ બાકી છે. પત્રકારોએ સ્ટ્રક્ચર અંગે પૂછેલા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, આ ગેમઝોનનું સ્ટ્રક્ચર વ્યાજબી નહોતું એટલા માટે મુખ્યમંત્રીએ SITની રચના કરી છે. પત્રકારોઓએ તેમને સવાલ કર્યો હતો કે, ઘટનાના 54 કલાક વીતી ગયા બાદ તમે હવે દેખાયા છો અને ચૂંટણી સમયે તમે ઠેકઠેકાણે દેખાતા હતાં એવું લોકો કહી રહ્યાં છે. તેના જવાબમાં રૂપાલાએ કહ્યું હતું કે, હું ઘટનાના બીજા જ દિવસથી સવારે આઠ વાગ્યાનો અહીંજ છું. આ સ્થળે હું નહોતો આવ્યો એ વાત તમારી સાચી છે. 
 
દોષિત માનવામાં આવશે તેની સામે એક્શન લેવામાં આવશે
રૂપાલાએ પત્રકારેને કહ્યું હતું કે, હું અહીં જ હતો, તંત્ર સાથે સંકળાયેલો હતો અને તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. ઘટનાના દિવસે સીએમને રૂબરૂમાં હું મળ્યો હતો. આ ઘટનામાં દાખલો બેસે એવી કાર્યવાહી ચોક્કસ થશે. કારણ કે મુખ્યમંત્રીની ઓફિસમાં આ માટે કામ થઈ રહ્યું છે. હું અધિકારીઓના સસ્પેન્સનને કાર્યવાહીનો એક ભાગ માનું છું એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો. આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી. વ્યવસ્થામાં કોઈ નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભુલ તરીકે ના જોઈ શકાય. અમે લોકોની લાગણીઓને અનુરૂપ એક્શન થાય એ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. SITની રચના કરવામાં આવી છે એ SIT જ દરેક સવાલોના જવાબો આપશે. જેને દોષિત માનવામાં આવશે તેની સામે એક્શન લેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર