રાજકોટમાં દોઢ દિવસમાં 15 હજારથી વધુ લોકોએ હેલ્મેટ ડ્રાઈવનો વિરોધ નોંધાવ્યો

સોમવાર, 2 ડિસેમ્બર 2019 (15:11 IST)
ટ્રાફિકનાં નિયમો કડક થતા તેનો દંડ પણ ઘણો વધી ગયો છે. ત્યારે રાજકોટમાં હેલ્મેટ વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. જેમાં દોઢ દિવસમાં શહેરનાં 15 હજારથી પણ વધુ લોકોએ સહી કરીને હેલ્મેટ સામે વિરોધ નોંધાવ્યો છે. આજે પણ કૉંગ્રેસ આ વિરોધ ઝુંબેશ ચાલુ જ રાખશે. જ્યારથી આ હેલ્મેટ પહેરવાનો નવો કાયદો અને દંડનું અમલીકરણ શરૂ થયું છે ત્યારથી રાજકોટવાસીઓ હેલ્મેટ સામે કોઇને કોઇ રીતે વિરોધ નોંધાવી રહ્યાં છે. તો સામે ટ્રાફિક પોલીસ પણ ઝુકવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા પણ શહેરમાં લોકોએ હેલ્મેટ તોડીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે ચિમકી પણ ઉચ્ચારી હતી કે, જો હેલ્મેટ અંગે પોલીસનું જોર-જુલમ ઓછો નહીં થાય તો સમગ્ર મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. આ મામલામાં જેલભરો આંદોલન કરતાં પણ અમને ખચકાટ અનુભવાશે નહીં. તો બીજી તરફ શહેરમાં ચાલુ વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા 140 પૈકી 69 વ્યક્તિઓએ હેલ્મેટ પહેર્યું ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુંછે. થોડા દિવસો પહેલા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અકસ્માતનાં તમામ મૃતકોના પરિવારજનોને એક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા કે આગામી દિવસોમાં તેઓ જ્યારે પણ વાહન ચલાવે છે, ત્યારે હેલ્મેટ જરૂર પહેરશે. આ અંગે વિરોધ નોંધાવતા લોકોએ જણાવ્યું કે, 'શહેરમાં હેલ્મેટની જરૂર નથી. 30ની સ્પીડની ઉપર વાહન જવાની કોઇ જ શક્યતા નથી તો હેલ્મેટ શહેરમાં ફરજિયાત બનાવવાને બદલે હાઇવે પર તેનો કાયદો કડક કરો. અહીં 45 ડિગ્રી તાપમાન હોય તો હેલ્મેટ કઇ રીતે પહેરી શકાય.''
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર