જોકે, આગામી ત્રણ દિવસ માટે હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે.
હવામાન વિભાગ પ્રમાણે 17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, સુરત, નવસારી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી કોઈ વિસ્તારમાં થોડા વધારે વરસાદની સંભાવના છે.
18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધારે રહે તેવી શક્યતા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના આ સિવાયના જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે.