વરસાદ ગુજરાતમાં નવરાત્રીની મજા બગાડશે ? અમદાવાદમાં હળવો વરસાદ

શનિવાર, 1 ઑક્ટોબર 2016 (14:59 IST)
આજથી જગતજનની મા જગદંબાની નવરાત્રીની રઢિયાળી રાત્રીનો આરંભ થશે. નવરાત્રીમાં રાસ-ગરબાના તાલે રમવા-ઝૂમવા યુવાઓ થનગની રહ્યા છે.  આવા અનેરા ઉત્સાહ અને ઉમંગના માહોલમાં અમદાવાદીઓ માટે વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે. આજે બપોર બાદ અમદાવાદમાં વરસાદના છાંટા શરૂ થયાં હતાં. હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટમાં રાજ્યના કચ્છ સિવાયના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. જેના પગલે ચોમાસાની વિદાયની ચર્ચાતી વાતો વચ્ચે અચાનક મેહુલિયો તોફાન મચાવી શકે તેવી નવી સંભાવના સર્જાઇ રહી છે. આમ પણ પાછલાં વર્ષમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી જમા થવાથી રાજ્યસ્તરીય નવરાત્રી મહોત્સવ જ ખોરવાયો હતો. દરમ્યાન આજે સવારે ૭ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાક દરમ્યાન રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી હળવા છાંટા પડતાં ચાલુ ચોમાસાની ‌સિઝનનો કુલ વરસાદ ૮૧.૮૯ ટકા થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૮૬.૮૬ ટકા, દ.ગુજરાતમાં ૮ર.૬૭ ટકા, ઉ.ગુજરાતમાં ૭પ.૧૭, મ.ગુજરાતમાં ૭ર.૦૧ ટકા અને કચ્છમાં ૬૬.૯૪ ટકા વરસાદ નોંધાયો છે

વેબદુનિયા પર વાંચો