અમરેલી જિલ્લામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીની લહેર
અમરેલી, અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ઉભી થઇ છે. સંતોષકારક વરસાદ થવાથી ખેડૂતોએ વાવણીનું કાર્ય ઉમળકાભેર ઉપાડી લીધું છે. વરસાદનો આનંદ શહેરીજનો અને ગ્રામ્યજનો પણ માણી રહ્યા છે. એકદંરે જિલ્લામાં તા.૪ જુલાઇ-૨૦૧૮ના રોજ સવારે ૭ સુધીમાં ૯૦૧ મીમી વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદ હોવાથી વરસાદના કારણે સમગ્ર જિલ્લાના નદીનાળાઓમાં નવા નીરની આવક થઇ છે. આપત્તિ વ્યવસ્થાપન શાખાના અહેવાલ મુજબ, મોસમનો સૌથી વધુ વરસાદ અનુક્રમે લીલીયા, જાફરાબાદ, બગસરા અને સાવરકુંડલા તાલુકામાં નોંધાયો છે.
અમરેલી જિલ્લા રાજયધોરી માર્ગો અને ગ્રામ્ય માર્ગો સતત ચાલુ રહ્યા છે. વરસાદથી કોઇપણ રસ્તો બંધ થયો નથી તેમજ એસ.ટી.ની બસો પણ રાબેતા મુજબ જ ચાલુ રહી છે. કોઇપણ રસ્તાના ધોવાણો થયાના પણ અહેવાલો મળેલા નથી. તથા કોઇપણ ગામોમાં સંપર્ક વિહોણા બન્યા હોય તેવાની પણ બાબતો જોવા મળી નથી.
સામાન્ય રીતે વરસાદ ખૂબ જ ધીમીધારે વરસ્યો હોવાના કારણે કોઇ ખાસ નુકશાની થયાના પણ અહેવાલો પણ સાંપડ્યા નથી. જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન શાખાને સતત ચાંપતી નજર રાખવા અને તાલુકાના અધિકારી-કર્મચારીઓને વરસાદ ચાલુ રહે ત્યાં સુધી હેડક્વાર્ટસ નહિ છોડવા પણ તાકિદ કરવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન શાખા-અમરેલીના અહેવાલ મુજબ તા.૪ જુલાઇ- ૨૦૧૮ના રોજ સવારે ૭ કલાક સુધીમાં નીચે દર્શાવ્યા મુજબ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ લીલીયા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ધારી તાલુકામાં નોંધાયો છે.