Vadodara News - નશામાં ધૂત યુવતીનો જાહેરમાં તમાશો,મોડીરાતે પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી થપ્પડો ઝીંકી

સોમવાર, 28 ઑગસ્ટ 2023 (13:40 IST)
vadodara news
ગોત્રી ગોકુળ નગર પાસે અન્ય કાર સાથે અકસ્માત કર્યા પછી હંગામો : પ્રોહિબીશનનો ગુનો દાખલ
 
Vadodara News મોડી રાતે નશામાં ચૂર થઇને એક યુવતી કાર લઇને નીકળી હતી. યુવતીએ અકસ્માત કરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.પોલીસ આવી જતા યુવતીએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. છેવટે પોલીસે જરૂરી બળ વાપરી યુવતીને પોલીસ વાનમાં બેસાડી  ગોત્રી પોલીસ સ્ટેશનમાં લઇ જવાઇ હતી.

ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી, કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. જેના પગલે અન્ય લોકો પણ સ્થળ પર ભેગા થઇ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી. યુવતીના વર્તનથી ડઘાઇને પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૂરી બળ વાપરીને નશેબાજયુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. યુવતીએ દારૂનો નશો કર્યો હોવાથી પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી  ૪૧ વર્ષની મોના ચંદ્રકાંતભાઇ હિંગુની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોત્રી પોલીસે યુવતી મોના સામે પ્રોહિબીશન ઉપરાંત પોલીસ પર હુમલો કરવાનો પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હાથ ધરેલી યુવતીની પૂછપરછ દરમિયાન એવી માહિતી વાસણા ભાયલી રોડ પર રહેતી યુવતીની બહેનપણીની બર્થડે હોવાથી હતી.ત્યાંથી પરત આવતા સમયે અકસ્માત થયો હતો. જેથી, ગોત્રી પોલીસે મોનાની બહેનપણીની ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ, કોઇ વાંધાજનક વસ્તુ ત્યાંથી મળી આવી નહતી. મોનાએ દારૂનો નશો બર્થેડે પાર્ટીમાં કર્યો કે ત્યાંથી નીકંળ્યા પછી ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. નશેબાજ યુવતીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ્યારે પોલીસ ગઇ ત્યારે યુવતી કારમાં બેસીને ગાડી ચાલુ બંધ કરતી હતી. પોલીસે તેને ગાડીમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે પોતાના મોબાઇલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યુ હતું. અને પોલીસને કાયદો બતાવતા કહેતી હતી કે, તમે સાંજ પછી લેડિઝને કઇ રીતે પકડી શકો ? છેવટે પોલીસે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ પણ તેણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. ગાડીની બહાર આવીને તેણે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર