Vadodara News - ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીએ વધુ એક બાળકનો ભોગ લીધો

સોમવાર, 7 ઑગસ્ટ 2023 (09:39 IST)
garbage collection vehicle
Vadodara News - વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે 4 વર્ષની બાળકીને કચડી નાખી છે. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોતાની લાડલીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે. વડોદરા કોર્પોરેશને ચાર ઝોનમાં અલગ અલગ કોન્ટ્રકટરને ડોર ટુ ડોર કચરો કલેક્શનનું કામ આપ્યુ છે. જોકે કચરો કલેકટ કરતી ગાડીઓના ડ્રાયવરો સોસાયટી વિસ્તારમાં બેફામ ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-2 પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવી 4 વર્ષની બાળકી  નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. સોસાયટીમાં કચરો લેવા આવેલી ગાડીના ચાલકે તકેદારી ન રાખી સ્પીડમાં રિવર્સ લેતા બાળકીને કચડી નાખી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકની વહેલી તકે ધરપકડ કરવા માંગ કરવામાં આવી રહી છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર