વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત મોકૂફ રખાઈ

શનિવાર, 14 માર્ચ 2020 (13:43 IST)
અત્યારે સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી ૨૧ અને ૨૨ માર્ચનો ગુજરાતનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. વડા પ્રધાન ૨૧ અને ૨૨ માર્ચે વડોદરાની મુલાકાત લેવાના હતા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવાના હતા. જો કે, જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્ર ન થવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાંને પગલે વડા પ્રધાનનો કાર્યક્રમ હાલ મોકૂફ કરાયાની આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીની મુલાકાતની નવી તારીખો હવે પછી જાહેર કરાશે.
 
આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના વાઈરસના પગલે ભારત સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ જાહેર કાર્યક્રમો, સેમિનાર, મિટિંગ અને મેળાવડા ન થાય તેનું ધ્યાન રાખવા ગુજરાત સરકારને તાકીદ કરાઈ છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર કામ કરશે તેવી સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું છે કે સર્વેલન્સ સહિત ઍરપોર્ટ ઉપર ચેકિંગ પણ ચાલુ છે. એટલું જ નહીં, રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સારવાર સુવિધા માટે સતર્ક છે.
દરમિયાન સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો કહેર યથાવત્ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આ વાઇરસના સંક્રમણની દહેશતને પગલે સરકારે આગોતરા આયોજનો કર્યા છે. જોકે, ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા અને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આના પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક આરોગ્ય ઉચ્ચાધિકારીઓ અને મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર