રાજકોટમાં લોકમેળા બાદ 19 ઓગસ્ટ સુધી પર્યટન સ્થળો પર પણ પ્રતિબંધ મૂકાયો
શનિવાર, 25 જુલાઈ 2020 (14:43 IST)
શ્રાવણ માસમાં લોકમેળા અને પર્યટન સ્થળો પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજકોટમાં લોકમેળા બાદ પર્યટન સ્થળો પર પણ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગર અને તેની આસપાસના પર્યટન સ્થળો પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામું 19 ઓગસ્ટ સુધી અમલી રહેશે. રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલ ઓસમ પર્વત એક પ્રવાસન સ્થળ છે અને આ પર્વત પર ટપકેશ્વર મહાદેવ મંદિર, માત્રી માતાજી મંદિર, તેમજ ભીમનાથ મહાદેવ મંદિર સહિત અનેક નાના મોટા રમણીય તળાવો આવેલ છે.
જેથી ભક્તો મંદિરોમાં દર્શન કરવા જાય તેવી પુરી શક્યતા છે. તેમજ હાલમાં સમગ્ર રાજ્યમાં મંદિરમાં દર્શન કરવા જવાની છુટ હોય, જેના કારણે પ્રવાસીઓ તેનો ફાયદો ઉઠાવી દર્શનના બહાને પર્વત પર બિનજરૂરી ફરવા નિકળે છે. જેને ધ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે આ વખતે શ્રાવણ માસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે નહીં.
દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસ મેળો યોજાતો હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ હોય છે. જેમાં લોકમેળામાં 10 લાખ કરતા પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે આ વખતે લોકમેળો યોજાશે નહીં.