હાઈએલર્ટ બાદ પગમાં શંકાજનક લખાણ વાળા કબૂતરે પોલીસને દોડતી કરી
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (15:52 IST)
હાલ ચાઈનીઝ ભાષાના સંદેશ સાથે ચીનથી ઉડીને આવેલાં કબૂતરે કચ્છના પોલીસ કર્મીઓને દોડતા કર્યાં છે. શેખપીર પારે પોલીસે કબૂતરને પકડીને તેની તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઈનીઝ ભાષાના લખાણ સાથે અને પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે એક કબૂતર મળી આવ્યું છે. આ લખાણને કારણે કબૂતરે પશ્ચિમ કચ્છ પોલીસને દોડતી કરી છે. શેખપીર પાસે પોલીસ કબૂતરને પકડી તપાસ શરૂ કરી હતી. કબૂતરની ભૂજમાં સરકારી વેટરનરી તબીબ પાસે પણ ચકાસણી કરાઈ હતી. કબૂતરના બંને પગે બાંધેલી રીંગના આંકડા અને ચાઈનીઝ લખાણ સંદર્ભે પોલીસે ઈન્ટરનેટ પર ગુગલીંગ કર્યું હતું. પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગૃપ પણ તપાસમાં જોડાયું છે. પ્રાથમિક તપાસમાં આ કબૂતરનો ચીનમાં બર્ડ રેસીંગમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. તેમજ કબૂતરમા બીજું કશું શંકાસ્પદ ના હોવાનું પણ બહાર આવ્યું છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, આ પ્રજાતિના કબૂતર ચીનમાં માંડ વીસેક ટકા જેટલાં બચ્યાં છે. આ કબૂતરનો ઉપયોગ બર્ડ રેસીંગમાં થાય છે. ત્યારે ગણતરીના કબૂતરોમાંનુ એક કેવી રીતે કચ્છ ઉડીને આવ્યું તે પોલીસ માટે માથુ ખંજવાળતો મોટો સવાલ છે.