ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. પણ આજે એક દિવસ પહેલા જ પરિક્રમા ગેટ ખોલાયો છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાઇ છે. સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું છે. આ પરીક્રમા દરમિયાન 200 થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકોની સુરક્ષાને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે.
આ વર્ષે મોસમ સારી હોય અને કુદરત પણ મહેરબાન હોય તો પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈ એસટી તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમન પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાશે. આજે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં 50 હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો.