ટેક્નિકલ ખામીના લીધે છતાં રૂપિયે 10 જિલ્લાનો વિકાસ રૂંધાયો, કરોડો રૂપિયા ગ્રાન્ટ પડી રહી

મંગળવાર, 1 જૂન 2021 (18:03 IST)
ટેક્નોલોજી જેટલી આર્શિવાદરૂપ છે એટલી જ મુશ્કેલી પણ વધારી શકે છે. અવારનવાર આપણી સામે એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે કોઇ ટેક્નિકલ ખામીના લીધે અથવા તો સર્વર ડાઉન હોવાની લીધે ટ્રાંજેક્શન અટવાય જતા હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે એક ટેક્નિકલ ખામીના લીધે ગુજરાતના 10 જિલ્લાઓનો વિકાસ રૂધાઇ ગયો. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.
 
કેન્દ્ર સરકારે ગુજરાતને 15મી નાણાપંચની ગ્રાન્ટ ફાળવી દીધી છે પરંતુ ટેક્નિકલ ખામીના લીધે તેનો ઉપયોગ થઇ શક્યો નહી. આ ઉપરાંત પંચાયતોમાં ઓનલાઇન વેરીફિકેશન ન થતાં 2400 જેટલી પંચાયતો ગ્રાન્ટનો ઉપયોગ કરી શકી નહી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાયા વિના પડી રહી. 
 
ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર સહિતના 10 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત, અને 2450 ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટની ફૂટી કોડી પણ વપરાઇ નથી. હાલમાં કોરોના કાળમાં કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી પરંતુ ગ્રાન્ટના વપરાશ માટે ડીજીલાઇઝડ પદ્ધતિ અમલી ન બનતાં આ ગ્રાન્ટનો ઉપયોગ થઇ શક્યો નથી. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી પંચાયતોમાં વેરિફિકેશનની પ્રક્રિયામાં સમસ્યા સર્જાઇ રહી છે. અત્યારે ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રની કેટલીય પંચાયતોમાં આ સમસ્યા સર્જાઇ રહી છે. જેના લીધે નાણાંપંચની ગ્રાન્ટ વાપરવામાં મુશ્કેલી નડી રહી છે.
 
પંચાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે જિલ્લા, તાલુકા સ્તરે રાજકીય માળખું બદલાયુ છે જેના કારણે ઓનલાઇન સોફ્ટવેરની મદદથી કરાતી વેરિફિકેશન પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થઇ છે. હાલમાં 10 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત અને 2450 કરતા વધુ ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરિફિકેશન પ્રક્રિયા અધુરી રહી છે જેના કારણે આ બધીય પંચાયતોમાં ગ્રાન્ટનો વપરાશ જ થઇ શક્યો નથી. 
 
અધિકારીઓએ દાવો કર્યો છે કે, આગામી એકાદ સપ્તાહમાં જ બાકીની પંચાયતોમાં વેરીફિકેશનની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. પંચાયત વિભાગની ઓનલાઇન ચકાસણી બાદ પંચાયતો ડીજીટલાઇઝ્ડ સિસ્ટમનો અમલ કરીને ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર