સુરતમાં 13 દિવસના નવજાત બાળકે 7 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

સોમવાર, 26 એપ્રિલ 2021 (18:22 IST)
સુરત સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રિક્ટ વિભાગે માત્ર 13 દિવસના નવજાત બાળકને 7 દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કર્યું છે. કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ કોરોના વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ ગુંજતા પરિવાર અને બાળવિભાગનો સ્ટાફની ખુશી સમાતી ન હતી.વરાછાના પુણા ગામ વિસ્તારમાં રહેતા મહેશભાઈ પટોળીયાના પત્ની આશાબેન નવ મહિનાના સગર્ભા હતા. તેમને પ્રસુતિની પીડા થતાં વરાછાની સામાજિક સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં તા.2 એપ્રિલે દાખલ કરાયા હતાં. જ્યાં આશાબહેને રાત્રે 11 વાગ્યે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલે પટોળીયા દંપતિના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતા બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. પ્રસુતાને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં હતાં. 10 દિવસ બાદ આ દંપતિ બાળકને ફરી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા, જ્યાં 10 દિવસના બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરતા બંન્ને રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જેથી સારવાર માટે વરાછાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું. પરંતુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતાં પટોળીયાને પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી તા.૧૩મીએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને શિફ્ટ કર્યું.બાળરોગ વિભાગના આસિ.પ્રોફેસર ડો.અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં 34 સગર્ભા મહિલાઓની ડિલવરી કરવામાં આવી જેમાં હાલ સુધીમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું ન હતું, તે બાબતની ઘણી ખુશી છે. પરંતુ ગત તા.13 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલથી નવી સિવિલ પ્રસુતા આશાબેનની સાથે કોરોના પોઝિટિવ બાળકને પિડીયાટ્રિક વિભાગના એન.આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું, ત્યારે તેનું CRP અને ડી-ડાયમર લેવલ પણ વધી ગયું હતું. માત્ર 13 દિવસના બાળકની કોરોનાની સારવાર કરવી પણ ઘણું મુશ્કેલ હોય છે. શરૂઆતમાં એન્ટિબાયોટીક આપીને સારવાર શરૂ કરી હતી. અમારી તબીબી ટીમે બાળકની સાથે માતાની પણ એટલી જ કાળજી રાખી, કેમ કે બાળક પોઝિટિવ હતું અને માતા નેગેટિવ. પરંતુ આખરે 7 દિવસની સારવારમાં બાળકને સંપૂર્ણપણે કોરોનામુક્ત કરવામાં સફળતા મળી છે. માતા બાળક ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરતાં એમના પરિવારને જેટલી ખુશી છે, એમનાથી અધિક ખુશી તબીબી સ્ટાફને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર