કડીમાં સાંબેલાધાર મેઘમહેર, 13 ઇંચ વરસાદ ખાબકતા કડી બન્યું જળમગ્ન

સોમવાર, 24 ઑગસ્ટ 2020 (12:21 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કલોલમાં આભ ફાટ્યું છે. મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર કડી જળમગ્ન બની ગયું છે. લોકો વરસાદી પાણીથી બચવા માળીયા પર ચઢવા મજબૂર બન્યા છે. કડીના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે લોકોની ઘરવખરીનો સામાન પલળી ગયો હતો. 
મહેસાણા જિલ્લામાં રવિવારે કડી તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર સાડા અગિયાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો બહેચરાજી તાલુકામાં 9 ઈંચ, જોટાણા તાલુકામાં સાડા સાત ઈંચ, મહેસાણા શહેરમાં સાત ઈંચ, ઊંજામાં પાંચ ઈંચ, વીજાપુરમાં ચાર ઈંચ, વિસનગરમાં બે ઈંચ અને ખેરાલુમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
તા.24 ઓગસ્ટે એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પરિણામે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જારી કરી દેવાઈ છે. એ જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 
 
આ ઉપરાંત સુરતના ઉમરપાડા અને મોરબી જિલ્લાના મોરબી શહેરમાં 10 ઈંચથી વધુ વરસાદ, મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતી અને કચ્છના અંજારમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકા એવા છે જ્યાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 53 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.
 
રાજ્યના 85 તાલુકામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 136 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 198 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબીના ટંકારામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબીના મોરબી શહેરમાં સવારથી આઠ વાગ્યા સુધીમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે, મોરબીના ટંકારામાં ગઇકાલ અને આજે વહેલી સવાર સુધીમાં કુલ 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ટંકારના સર્કિટ હાઉસ નજીક નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં આઠ લોકો ફસાયા હતા. મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર