ભુદરપુરામાં પોલીસે નિર્દોષ લોકોને માર્યા હોવાની ફરિયાદ સાથે 2000 લોકોનું ટોળુ ધસી આવ્યું
મંગળવાર, 17 એપ્રિલ 2018 (15:36 IST)
શહેરના ભુદરપુરા વિસ્તારમાં રાજપૂત સમાજની હોસ્ટેલમાં દારૃ પીને કેટલાક શખ્સો દ્વારા ધમાલ મચાવી વાહોનોમાં આગચાંપી ઘટનામાં પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં આજે સ્થાનિક લોકોનું ટોળુ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને આવી ચક્કા જામ કરી દીધો છે. 2000 જેટલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન પહોંચી હલ્લાબોલ મચાવી ફરિયાદ કરી કે પોલીસે કરેલી કાર્યવાહીમાં નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત યુવાસંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ-આઈપીએસ કેરિયર સ્ટડી સેન્ટર સંકુલમાં આવેલી હોસ્ટેલમાં દારૃ પીને આવેલા કેટલાક શખ્સો સાથે ગાળાગાળી અને મારામારી થતા સ્થાનિક લોકોનાં પાર્કિંગમાં પડેલા વાહનો સળગાવતા અફડાતફડી મચી ગઈ હતી. સોમવારે આ હોસ્ટેલમાં કેટલાક શખ્સો દારૃ પીને આવ્યા હતા. જેમની સાથે આસપાસના રહીશોને બોલાચાલી થતા વાત વણસી ગઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડમાં પડેલાં ટુ-વ્હીલર સળગાવી પથ્થરમારો કર્યો હતો ને લિફ્ટને પણ નુકસાન કર્યું હતું. ઘટનાની જાણ થતા તરત જ પોલીસનાં 25 જેટલાં વાહનો અને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વાહનો સળગતા લોકોના ટોળેટોળા સ્થળ પર પહોંચી ગયા હતા.