વિધાનસભાના અધ્યક્ષ સામે કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી
ગુરુવાર, 1 માર્ચ 2018 (16:38 IST)
ગુજરાત વિધાનસભાના સત્રને હજુ માંડ એકાદ સપ્તાહ થયો નથી ત્યાં વિપક્ષે અધ્યક્ષ સામે મોરચો માંડયો છે. કોંગ્રેસનો એવો આક્ષેપ છેકે,ગૃહમાં અધ્યક્ષનું વલણ નિષ્પક્ષ નથી,બલ્કે વિપક્ષ વિરૃધ્ધ પક્ષપાતીભર્યુ વલણ દાખવવામાં આવી રહ્યુ છે. આ કારણોને આગળ ધરીને કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ગુરૃવારે વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન,પેટ્રોલ-ડિઝલના સેસના મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યોએ આ મુદ્દે તત્કાલ ચર્ચા કરવાની માંગ કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અસરકારક રજૂઆત કરવા જતાં તેમને પણ બેસાડી દેવાયા હતાં.
આ મામલે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી જતાં બધાયને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં અધ્યક્ષના પક્ષપાતીભર્યા વલણ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા નક્કી કરાયુ હતું. પ્રથમ સત્ર પૂર્ણ થતાં ઉપનેતા શૈલેષ પરમારે નિયમ-૧૦૩ અન્વયે અધ્યક્ષ સામેની દરખાસ્ત સેક્રેટરી સમક્ષ મૂકી હતી. કોંગ્રેસના ધારાસભ્યોનો એવો આક્ષેપ છેકે, મંત્રીઓ ધારાસભ્યોના સંતોષકારક જવાબ આપતાં નથી. આ મુદ્દે પણ બુધવારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ દલિત ભાનુભાઇ વણકરના આત્મદાહનો મુદદો ઉપાડયો ત્યારે અધ્યક્ષે તેમનુ માઇક બંધ કરી દેવા સૂચના આપી હતી. વિપક્ષના સભ્યો પેટા પ્રશ્ન પણ ઉઠાવે તો તેમને બેસાડી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ હોય તેવી ઘણાં લાબાં સમય બાદ ઘટના બની છે. નિયમ અનુસાર, અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ ૧૪ દિવસ પછી વિધાનસભા ગૃહમાં આ મામલે ચર્ચા થશે.