ગાંધીનગરમાં ગુજરાત મોડેલ ધોવાઈ ગયું, ગામમાં દલિતોના વાળ કાપવા પર પ્રતિબંધ
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (11:51 IST)
ગાંધીનગર નજીક ગત અઠવાડિયામાં મુછોને તાવ દેવાના મુદ્દે દલિત યુવકોને માર મારવાનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ હવે દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આ ગામમાં દલિતો પર વાળંદના ત્યાં વાળ કપાવવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ગામના વાળંદ વિજય લિંબાચીયાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, દરબારોના આ ગામમાં દલિતના વાળ કે દાઢી ન બનાવી આપવાનો નિર્ણય લીધો છે. ગામમાં રહેતા દલિત ગોવિંદ મહેરિયાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા તેમના જમાઈ મારી દીકરી સાથે લગ્ન કરવા માટે ગામમાં આવ્યા ત્યારે તેમને ઘોડા પર બેસતા અટકાવવામાં આવ્યા હતા. ‘મારા જમાઈ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. છતાં તેમને ઘોડા પર નહોતા બેસવા દેવાયા. આ અંગે મે દરબારો સામે ફરિયાદ નહોતી નોંધાવી, કારણ કે મારા સમાજના લોકો મને સાથ આપતા ગભરાતા હતા. સતિષ મહેરિયાએ જણાવ્યું કે, દલિતો સાથે દરરોજ ભેદભાવની ઘટના બને છે. આ ગામમાં દરબારોની વસ્તી 7000ની છે જ્યારે દલિત સમાજના 100 પરિવારો ગામમાં અને ગામના છેવાડે વસે છે. આ 100 પરિવારોમાં રોહિત, વણકર અને વાલ્મિકી સમાજના લોકોનો પણ સમાવેશ થાય છે. બે પોલીસ કોન્સ્ટેબલ વિજય ભિમાભાઈ અને ગોવિંદકુમાર મણિલાલને સાદા કપડામાં લાઠી ગામની બહારની બાજુએ દલિતોને સુરક્ષા પુરી પાડવા માટે ઝાડની નીચે બેઠા. આ પછી દરબાર સમાજના નથ્થાજી વાઘેલા તેમની બાજુમાં બાંકડા પર બેઠા, અને કહ્યું, ‘હા, મે સાંભળ્યું છે કે દલિત યુવકોને કેટલાક દરબાર યુવાનોએ મુછને તાવ દેવાની બાબતે માર્યા છે.’ રોહિત મહેરિયાએ જણાવ્યું કે, ‘અમે માત્ર ગરબા જોઈ શકીએ છીએ પણ ગાઈ શકતા નથી. આ સિવાય ગામમાં યોજાતા પ્રસંગોમાં અમે હિન્દુઓની સવર્ણ જ્ઞાતિઓ સાથે જમવા નથી બેસી શકતા.’ એક કોમર્સમાં ગ્રેજ્યુએટ યુવાને જણાવ્યું કે, “દરબારો અમારા વડિલોને માન આપ્યા વગર તેમના નામથી બોલાવે છે જ્યારે અમને તેમના નાના છોકરાઓ હોય તેમને પણ બાપુ કહેવા માટે દબાણ કરવામાં આવે છે.”