વિકાસ શબ્દ કંટાળી ગયેલી ગુજરાતની જનતાએ શોધ્યો છે - શક્તિસિંહ ગોહિલ

શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (15:45 IST)
કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી સૌરષ્ટ્ર ઝોનમાં રાહુલ ગાંધીના પ્રવાસની જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું કે 25 તારીખે દ્વારકાથી યાત્રાનો પ્રારંભ થશે જ્યાં કલ્યાણપુર, ભાટીયા અને ખંભાળિયામાં લોકોને મળશે ત્યારબાદ જામનગરમાં એક રોડ શો યોજાશે. અહીં ચાંદી બજારમાં વેપારીઓ સાથે રાહુલ ગાંધી ચર્ચા કરશે. 25 તારીખે રાત્રી રોકાણ જામનગરમાં કરશે. ત્યારબાદ 26મીએ જામનગરથી ધ્રોલ, લતીપુર થઇને ટંકારા પહોંચશે. ટંકારામાં ખેડૂતોને સંબોધન કરશે.અહીંથી તેઓ રાજકોટ પહોંચશે જ્યાં અલગ અલગ સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ 27મીએ બામણબોર થઇને ચોટીલા પહોંચશે, ત્યારબાદ જસદણ, આટકોટ થઇને વિરપુર જલારામ મંદિરે દર્શન કરવા જશે, ત્યાંથી ખોડલધામ મંદિરે દર્શન કરી જેતપુરમાં જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 25મીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, જેને લઇને રાજકોટ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફ્રેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શક્તિ સિંહે ભાજપ પક્ષ તથા સીએમ રૂપાણી અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા, આ સિવાય રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની માહિતી પણ જણાવવામાં આવી હતી. શહેરમાં પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શક્તિસિંહ તથા અર્જુનમોઢવાડિયા સહિત ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યાં હતા, થોડા સમય પહેલા જ સીએમ રૂપાણીએ રાહુલ ગાંધીને લઇને આપેલા નિવેદનનો જવાબ આપતા શક્તિસિંહે જણાવ્યું કે ગુજરાતના સીએમ નબળા અને રઘવાયા બન્યા છે. રાહુલ ગાંધીએ જેજે વિસ્તારોની મુલાકાત લીધી ત્યાં કોંગ્રેસનો વિજય જ થયો છે. વિદેશ પ્રવાસના શોખીન પીએમનો વિદેશ પ્રવાસ રદ કરી ગુજરાતની મુલાકાત વધારી દેવામાં આવી છે, આ પરથી લાગી રહ્યું છે કે આ વખતે ભાજપની હાર નક્કી જ છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિકાસના મેસેજ અંગે શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે વિકાસ શબ્દની શોધ ગુજરાતની જનતાએ કર્યો છે, હવે માર્કેટમાં મારા હાળા છેતરી ગયાના મેસેજ પણ વાયરલ થયા છે, આ તમામ શબ્દો ભાજપથી કંટાળી ગયેલી જનતાએ શોધ્યા છે. ગુજરાતમાં નર્મદાના નામે નાટકો કરવામાં આવે છે, પાણીના દર્શન ને પ્રદર્શન થાય છે. આ વખતે ઇસ્ટ અને અનિસ્ટની લડાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર