સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં આકાર લેશે વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (14:55 IST)
ગુજરાતમાં જાપાનના  પીએમ  શિન્ઝો આબે અને  નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાન અને ભારતના પીએમની ઉપસ્થિતિમાં જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગના નિર્માણ માટે સહકારના કરાર થશે.  જાપાને ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મૂડી રોકાણ કર્યું છે. આવનારા સમયમાં પણ સતત અને સમયબદ્ધ મૂડી રોકાણ માટે વિશેષ આયોજન કરાયું છે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત જાપાન સરકારના અર્થવ્યવસ્થા, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ નજીક ખોરજ પાસે સાણંદ-૩ ફેઝમાં ૧૭૫૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગ સંયુક્ત રીતે નિર્માણ પામશે. ગુજરાત સરકાર અને જાપાન સરકાર દ્વારા આ ઇન્સ્ટીટ્યુટ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વાહન વ્યવહાર, વીજ વ્યવસ્થાપન, ટેલિ કોમ્યુનિકેશન, માનવ સંશાધન અને આવાસ નિર્માણ સંયુક્ત રીતે વિકસાવાશે. જાપાન સરકાર દ્વારા પ્લગ એન્ડ પ્લે ફેક્ટરી, લોજીસ્ટીક્સ અને માનવ સંશાધાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ માટે ગુજરાત સરકારે યોગ્ય જમીનની ફાળવણી કરી છે. પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવાશે. જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોગ્રામ અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પ્રોગ્રામ લોન પણ આપશે. ગુજરાત સરકાર દ્વારા મહત્વની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગુજરાતમાં ઔદ્યોગિક મૂડી રોકાણને ‘ફાસ્ટ ટ્રેક’ પર મુકવામાં અત્યંત મહત્વના સાબિત થનારા વૈશ્વિક સ્તરના જાપાન ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેકચરીંગ દ્વારા ‘સ્કીલ ઇન્ડિયા’ અંતર્ગત આગામી ૧૦ વર્ષમાં ૩૦,૦૦૦ યુવાનોને ભારત સરકારની માન્યતા પ્રાપ્ત વિશ્વકક્ષાની ઔદ્યોગિક તાલીમથી તાલીમબદ્ધ કરવાનું આયોજન છે. પ્રાથમિક તબક્કામાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. ગણપત યુનિવર્સિટી, મહેસાણાના આ વિદ્યાર્થીઓને અલગ અલગ પાંચ ટ્રેડમાં પ્રશિક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યાં જાપાનની શિક્ષણ પ્રણાલી પ્રમાણે જાપાનના તજજ્ઞો દ્વારા પ્રશિક્ષણ અપાશે. જાપાનની સુઝુકી, યામાહા અને ટોક્યો જેવી કંપનીઓએ પણ આ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેકચરીંગમાં સહભાગી થવાની તત્પરતા દર્શાવી છે. માંડલ-બેચરાજી-ખોરજ વિસ્તારમાં ૧,૭૫૦ એકર જમીનમાં આકાર લેનારી ઇન્ડો-જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપમાં એન્જિનીયરીંગ, એરોસ્પેસ, સંરક્ષણ, ફાર્માસ્યુટીકલ્સ, ઇલેકટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ તથા સંલગ્ન ઔદ્યોગિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે. આ ઇન્સ્ટીટ્યુટ અંતર્ગત હાઉસીંગ ઝોન પણ વિકસાવાશે. રોજગાર નિર્માણ અને આર્થિક વિકાસને વધુ વેગવાન બનાવવાની સંભાવના ધરાવતા જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેકચરીંગ અને ઇન્ડો-જાપાનીઝ ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોનના નિર્માણથી ગુજરાતમાં ભાવિ આંતરમાળખાકીય સુવિધાઓથી સજ્જ વિશ્વકક્ષાના ઔદ્યોગિક કેન્દ્રના નિર્માણનું સપનું સાકાર થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર