ગુજરાતના પોલીસ અધિકારી એ.કે. અમીન અને તરુણ બારોટે નિવૃત થવાની ઈચ્છા વ્યક્ત કરી
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (13:53 IST)
ગુજરાત પોલીસ અધિકારી એન.કે.અમીન અને તરૂણ બારોટે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતાં પોતે પોતાના પદ પરથી રાજીનામું આપવા માગે છે તેમ જણાવ્યું છે. ગુજરાતના બે નિવૃત્ત આઈપીએસ એ.કે.અમીન અને તરુણ બારોટની ફરીવાર નિમણૂક કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં મામલે કોઈ નિર્ણય કરવા નિર્દેશ આપ્યો હતો. બુધવારે મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે ગુજરાત સરકારને કહ્યું કે મામલે પણ એવો નિર્ણય કરવો જોઈએ જેવો પી.પી. પાંડે મામલે લેવાયો હતો. બીજી બાજુ સુપ્રીમકોર્ટે બંને અધિકારીઓને પણ પ્રશ્ન કર્યો કે શું બંને તેમના પદ છોડવા માગે છે ? ગુજરાત વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટમાં દલીલ કરી કે બંને આઈપીએસ એક સારા અધિકારી છે. ઈશરતા જહાં એન્કાઉન્ટરના આરોપી રહી ચૂકેલાં ગુજરાત પોલીસના અધિકારી એન.કે.અમીન અને તરૂણ બારોટની હંગામી ધોરણે ફરીવાર નિમણૂંકના મામલે રિટાયર્ડ પોલીસ અધિકારી રાહુલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે આ મામલે બુધવારે સુનાવણી કરતાં રાજ્ય સરકારને પોતાનો નિર્ણય તેમજ બંને અધિકારીઓ પદ પર રહેવા માગે છે કે કેમ તેવા સવાલોના જવાબ ગુરૂવાર સુધી રજૂ કરવાના આદેશ કર્યા હતા.બંને અધિકારીઓએ ગુરૂવારે પોતાના જવાબ રજૂ કરતાં તેઓ ફરજ મુક્ત થવા ઈચ્છે છે એમ જણાવ્યું છે. એન.કે.અમીનની તાપી જિલ્લામાં સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ તરીકે જ્યારે બારોટને રેલવે પોલીસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા. તેમને નિવૃત્તિ બાદ પણ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. પૂર્વ IPS ઓફિસર રાહુલ શર્માએ અધિકારીઓની ફરી નિમણૂંક અંગે ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો રાહુલ શર્માની અરજીમાં આક્ષેપ કરાયો હતો કે એન.કે.અમીન સોહરાબુદ્દીન શેખ અને ઈશરત જહાં એન્કાઉન્ટર જયારે બારોટ શાદીક જમાલ અને ઈશરત જહાં એન્કાઉન્ટરમાં આરોપી હતા. એન.કે.અમીનને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કોર્ટ દ્વારા આરોપમુક્ત જાહેર થઈ ચૂક્યા છે. જે બાદ તેમને નિવૃત્તિ બાદ પણ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે.એવું નથી કે પ્રથમ વખત બન્યું હોય, અગાઉ પણ અનેક રાજ્યોમાં આવી નિમણૂકો થઈ ચૂકી છે. 21 જુલાઈએ સુપ્રીમકોર્ટે મામલે ગુજરાત સરકારને નોટિસ મોકલાવી બે અઠવાડિયામાં જવાબ માગ્યો હતો.