કોંગ્રેસના ૧૩ બળવાખોર MLAને ભાજપની ટિકિટ મળવાથી કાર્યકરોમાં અસંતોષ
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:18 IST)
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરનારા ૧૩ ધારાસભ્યો એ અત્યારે તો તેમના રાજીનામાં અધ્યક્ષને સુપરત કરી દીધા છે. પરંતુ આ તમામને બળવાખોરો ભાજપમાં જોડાઈ જવાના છે. એટલે જ ભાજપે તમામને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું છે. જેતી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો આંતરીક ડખો વધશે.
કોંગ્રેસ પાસે ૫૭માંથી હાલમાં માત્ર ૪૩ ધારાસભ્યો જ બચ્યા છે. આમ છતા ગમે તેમ કરીને રાજ્યસભાની પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણી અહેમદ પટેલને જીતાડી દેવાઈ છે. એટલું જ નહીં પક્ષમાં રહીને કાયમી ખટપટ તેમજ જાતજાતની માગણીઓ કરનારા અસતુષ્ટો પણ સાફ થઈ ગયા છે. જેથી કોંગ્રેસને હવે તેના પક્ષમાંથી જ પડકાર મળી શકે એવી શક્યતાઓ નથી. હવે કોઈ અસંતોષ પણ નહીં રહે. કોંગ્રેસમાંથી રાજ્યસભાની એક બેઠક જીતી જતા જાણે મોટી ઘાત ટળી છે. આ તમામ ૧૩ ધારાસભ્યોમાંથી બલવંતસિંહ, તેજશ્રીબહેન અને પ્રહલાદ પટેલ અગાઉ ભાજપમાં જોડાઈ ગયા હોવાથી બાકી રહેલા ૧૦ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. સૂત્રો કહે છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને પછાડવા માટે ભાજપે આ ૧૪ બળવાખોરો સાથે ચોક્કસ પ્રકારની 'ગોઠવણ' કરી છે. જેમાં કોંગ્રેસનાં આક્ષેપ મુજબ કેટલાંકને ૧૦થી ૧૫ કરોડમાં ખરીદવામાં આવ્યા છે. ઉપરાંત બધા ધારાસભ્યોને ભાજપની ટિકિટ આપવાનું વચન પણ અપાયુ છે. કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ જે કોઈ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા તે જ બેઠક પર તેઓને ભાજપની ટિકિટ આપીને રીપીટ કરાશે. હાઇકમાન્ડનાં આ નિર્ણયથી જ ભાજપમાં અત્યારથી જ અસંતોષ અને ચણભણાટ શરૃ થઈ ગયો છે. તેઓની ટિકિટ ફાઈનલ કરાતા આંતરિક ખેંચતાણ અને રોષ વધશે એ બાબત પણ નિશ્ચિત છે. કારણ કે ભાજપમાં રહીને છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી ભારે ખંત અને શિસ્તથી કામગીરી કરી હોવા છતાં એકાએક જ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી દેવાની બાબત તેઓને ગમી નથી. પોતાને ટિકિટ મળવાની આશા પર પાણી ફરી વળશે એવો અહેસાસ થતા ઘણા વિસ્તારોમાં ભાજપનાં આવા સીનિયર આગેવાનો કાર્યકરોને સાથે રાખીને કોંગ્રેસમાંથી આવીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા ''મૂરતિયા''ઓને હરાવવાનાં તમામ પ્રયત્નો કરશે. જેનો સીધો લાભ પણ કોંગ્રેસને જ મળશે.