રાજકોટ ઍરપોર્ટ પર વિમાન હાઇજેક થયું : દિલધડક દ્રશ્યો સર્જાયાં
શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:33 IST)
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રીઓ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાના વિરોધ વચ્ચે રાજકોટ ઍરપોર્ટ ખાતે ત્રણ આતંકવાદીએ વિમાન હાઈજેક કર્યું હોવાની ઘટનાને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આતંકવાદી હુમલા અને અન્ય આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી કરવીને તેને લઈને પોલીસ દ્વારા એક મોકડ્રિલ કરવામાં આવી હોવાનું માલૂમ પડતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
રાજકોટ ઍરપોર્ટ ખાતે ૩ આતંકીઓએ વિમાન હાઇજેક કર્યું હોય તેવી મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનોએ આ સ્થિતિમાં પ્રવાસીઓને કેવી રીતે બચાવવા અને આંતકીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે પ્રેક્ટિકલ ઑપરેશન હાથ ધર્યું હતું. મોકડ્રિલ બચાવ કામગીરીના દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ૩ આતંકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઍરપોર્ટ યોજાયેલી મોકડ્રિલમાં જાણે આતંકી સાચે જ ઘૂસી ગયા હોય તેવા દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા.
જેમાં ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ઍરપોર્ટ ઓથોરિટી, ઍરફોર્સ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. ઈમરજન્સી સમયે કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેના સૂચનો કર્યા હતા.પોલીસ જવાનોની ટીમ, રેસ્ક્યુ ટીમ અને આગ, હુમલો જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમયસર ઘટનાને પહોંચી વળાય તે હેતસુર ફાયરબ્રિગેડના જવાનોને પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતુ. ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ, ઍરપોર્ટ ખાતે મોકડ્રિલ સમયાંતરે યોજવામાં આવે છે.