Gujarat Riots - ગૌહત્યા મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે મારામારી, બંને પક્ષે પત્થર મારો થયો
બુધવાર, 31 મે 2017 (18:26 IST)
અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાના વિરોધમાં ગૌભક્ત ચૈતન્યશંભુ મહારાજ 48 કલાકના પ્રતીક ઉપવાસ પર બેઠા છે, ત્યારે ઉપવાસના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિત શાહ વચ્ચે મારામારી થઇ હતી.
આ ઘટનામાં કોંગ્રેસના શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો. ઉપવાસ સ્થળે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ હાજર હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ અહીં આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, અમારા કાર્યકરોને જોતાં જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને અમારી ઉપર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ભાજપનું કહેવું છે કે, મારામારની શરૂઆત કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 2017માં સત્તા જવાના ડરથી ભાજપ અને તેના મણતિયાઓ ભેગા થઇને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. ગઇકાલ રાતની ઘટના અને આજની ઘટના બતાવે છે કે ભાજપને સત્તા જવાનું ડર ઘૂસી ગયો હોવાથી હિંસક માર્ગ અપનાવી રહી છે. કોંગ્રેસ આનો જવાબ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આપશે અને 2017ની ચૂંટણીમાં પ્રજા પણ ભાજપને પાઠ ભણાવશે.