હાર્દિક પટેલે ઈડરિયો ગઢ ગજવ્યો, હવે જયચંદો અને અમીચંદો હશે તો અંદોલન સફળ નહિ થાય

સોમવાર, 3 એપ્રિલ 2017 (17:40 IST)
ઇડરના મોહનપુરામાં રવિવારે યોજાયેલ હાર્દિક પટેલની શંખનાદ સભામાં પાંચ હજારથી વધુની હકડેઠઠ જનમેદનીને સંબોધતા હાર્દિક પટેલની બેચેની બહાર આવી હતી અને તેણે શંખનાદ કર્યો હતો કે હવે પાછા પડીએ તો માં ની આંતરડી દુભાય તથા આપણામાં જ જયચંદો અને અમીચંદો હશે તો અંદોલન સફળ નહિ થાય માટે તમામ સમાજ ગોળના પાટીદારોએ એકસંપ થાય તે સમયની માંગ છે.

હાર્દિક પટેલ શંખનાદ સભામાં આવતા પહેલા ઈડરના પ્રવેશ દ્વારા સદાતપુરા ખાતે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે સભા સ્થળે હાર્દિક પટેલનો કાફલો પહોચ્યો હતો. જ્યાં પાટીદાર યુવાનો દ્વારા ગુલાબનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શંખનાદ સભા પૂર્વે સાબરકાંઠાના પાસના કન્વીનર રવિ પટેલે પણ સભાને સંબોધી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે સભાનું સુકાન સાંભળ્યું હતું અને ઈડરના ધારાસભ્ય અને તેમના અંગત પાટીદાર અગ્રણીઓ પર પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે ઇડર પંથકની જનતાને શત શત પ્રણામ કહીને સભાને સંબોધન શરૂ કર્યું હતું.

તેના વક્તવ્યમાં કહ્યું હતું કે મારે રાજકારણ કરવું હોત તો હું વિરમ ગામ કરત, આ લડાઈ અલગ પ્રકારની છે. પાંચ વર્ષ પછી પાટીદાર પરિવાર પાસે એક-બે વીઘા જમીન પણ નહિ હોય ચુંટણી ટાણે પાટીદાર સમાજ વોટ પણ આપે નોટ પણ આપે અને ગાંઠના પૈસે પેટ્રોલ બાળી બાઈક લઇ દોડમ દોડ કરે છતાં સવર્ણનો સિક્કો મારી પાટીદાર સમાજની વ્યાજબી માંગણીને નજર અંદાજ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની સરકારોને પાટીદાર સમાજે પડતી બુમે ફાઈવ સ્ટાર આપી, પર્ક આપી, ડેરી મિલ્ક આપી પરંતુ પાટીદાર સમાજે અનામતરૂપી પચ્ચીસ પૈસાની પારલે માગીતો નકારી રહ્યા છે.
પુત્રની જન્મ આપતી માતાને ઘણી અપેક્ષાઓ હોય છે. હવે જો પાછા પડીએ તો માતાની લાગણી પણ દુભાય, માલ્યા જેવા દારૂનો વેપાર કરનારાનું દેવું માફ થતું હોય તો પાટીદાર સમાજ તો ખેડૂત છે. યુપીમાં જાહેરાત કરી તો મારે પૂછવું છે કે, ગુજરાત લાહોરમાં છે અનામત અંદોલનથી જે પાટીદાર વિમુખ થશે તેનો લેબોરેટરી પરિક્ષણ કરાવજો, બીજેપીનો જ નીકળશે. બજાજ સ્કુટર લઈને ફરતા હતા તે અત્યારે મર્સિડીઝ લઈને ફરતા થઇ ગયા છે. તેમણે પોતાનો જ વિકાસ કર્યો છે સમાજ માટે કંઈ કર્યું નથી. આજની શંખનાદ સભામાં વિશાળ જન સંખ્યા જોઇને હાર્દિક પટેલના ચહેરા ઉપર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ઉત્સાહ જોવા મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો