આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે તેના પિતા દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો. પરંતુ પોતાના મોજશોખ પુરા કરવા માટે તેણે એક પ્લાન ઘડ્યો હતો અને તેણે બાજુમાં રહેતા 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. સગીરે મંગળવારે સાંજે 5.30 વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના 7 વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું હતું. રાતે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણીની માગ કરી હતી. પૈસાની માગ કર્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી હતી. જેથી DYSP કે.ટી કામરીયા, વિવેકાનંદનગર PI વાય.બી ગોહિલની ટીમો સક્રિય થઈ ગઈ હતી. સગીર સાથે તેના પિતાની વાતચીત પોલીસે ચાલુ રખાવી હતી. રૂ. 30 લાખ પરથી રૂ. 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું.
બાળકને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવવા માટે પોલીસની મદદ લેવાઈ હતી. ત્યારબાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, વિવેકાનંદ નગર, કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. અને બાળકને હેમખેમ છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે.
પોલીસે તપાસ કરતા ખબર પડી કે જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના પિતાએ સગીર વયના આરોપીને 15 દિવસ પહેલા એક લાફો માર્યો હતો. આ વાતનો ખાર રાખીને તેણે તેના બાળકનું અપહણ કરી લીધું હતું. અપહરણ માટે સગીર આરોપી બાળકને તેના એક્ટિવામાં લઈ ગયો હતો. જે બાદમાં એક્ટિવાને અકસ્માત થતા તે બાળકને ચાલતા લઈ ગયો હતો.