રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે. આ અંગે આજે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ. એટલે કે, જેમણે રસી નહીં લીધી હોય તેવા લોકો ગરબામાં ભાગ લઈ શકશે નહીં.
આ સ્થિતિમાં શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કરફ્યૂના સમયમાં વધુ ઘટાડો થશે તેમ મનાય છે. પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. રાજ્યના ગૃહ વિભાગે આજે એક ખેલૈયાઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.