ગ્રીનપીસનો અહેવાલ ગુજરાતના સાત શહેરોની હવા પ્રદૂષિત

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (16:05 IST)
પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસે રજૂ કરેલા અહેવાલ પ્રમાણે દેશના ૧૬૮ શહેરોની હવા પ્રદૂષિત થઈ ચૂકી છે. અત્યંત વધારે પ્રદૂષિત હવાને કારણે દેશમાં વર્ષે ૧૨ લાખ લોકોના મોત પણ થાય છે. દેશના કુલ ૧૬૮ શહેરો પૈકી ગુજરાતના સાત શહેરો પણ શ્વાસમાં ન લેવા જેવી હવા માટે કુખ્યાત થયા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર  અને ભાવનગરની હવાને હવે શુદ્ધ કહી શકાય એમ નથી. 'એરપોક્લિપ્સ' નામના અહેવાલ પ્રમાણે સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકેનો દિલ્હીનો વિક્રમ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા સ્વચ્છ હવાના જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ભારતના મોટા ભાગના શહેરો ફીટ થતાં નથી. રિપોર્ટ તૈયાર કરવા માટે દેશના વિવિધ રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી આરટીઆઈ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. બાકી તો ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો એવા જ અહેવાલો તૈયાર કરે છે, કે જેમાં બહુ ઓછા શહેરો પ્રદૂષિત બતાવવા પડે.હવા પ્રદૂષણને કારણે દેશના જીડીપીને પણ ૩ ટકા જેટલું નુકસાન થાય છે. પ્રદૂષણ વધે એટલે બીમારીઓ અને સારવાર પાછળનો ખર્ચ વધતો જાય છે. તેનાથી અંતે તો દેશને જ નુકસાન થાય છે. ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવાના પ્રદૂષણ અંગે ધારાધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો ભારતીય શહેરોમાં જળવાતા નથી. પરિણામે શહેરો સ્માર્ટ બને એ પહેલા ગંદા તો થઈ જ ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો