ગુજરાતના કંડલા પોર્ટથી મિસાઇલના ઇક્વિપમેન્ટ ઝડપાયા

શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (12:57 IST)
ગુજરાતના(Gujarat) કંડલા પોર્ટ(Kandla Port) પરથી ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ(Missile Equipment)   જપ્ત કરવામાં આવ્યા છે. આ કન્સાઇનમેન્ટ ઝડપી NIAએ ગુનો દાખલ કર્યો છે. મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેના પગલે આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છના જખૌ નજીકના ખીદરત બેટ પરથી મળેલા કારતૂસના શંકાસ્પદ બોક્સ અને સિલિન્ડર મામલે કેટલીક નવી માહિતી સામે આવી છે
 
.બોમ્બ ડિસ્પોઝલ ટીમે સિલિન્ડર તોડતાં તેમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જે DND કહેવાતો વિસ્ફોટક પદાર્થ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.બોમ્બ ડિસ્પોઝલ ટીમે પદાર્થના નમૂના લીધા છે જેને વધુ તપાસ માટે ગાંધીનગરની FSL ખાતે મોકલી આપવામાં આવશે. FSLની તપાસ બાદ જાણવા મળશે કે બોક્સ અને સિલિન્ડર ક્યાંથી આવ્યાં સરહદી વિસ્તારમાં કારતૂસનું ખાલી બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવતાં અન્ય એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.
 
આ પહેલા પણ મુન્દ્રામાં અદાણી પોર્ટ પરથી અંદાજિત 21 હજાર કરોડની કિંમતનું 3 હજાર કિલો હેરોઈન જપ્ત થયું હોવા છતાં કેન્દ્ર સરકાર આ ગંભીર મામલે ચૂપ બેઠી હોવાનો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ બંદરની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. દેશનાં તમામ બંદરો પર સેન્ટ્રલ સિક્યોરીટી ફોર્સને સુરક્ષાનાં ભાગરૂપે ગોઠવવામાં આવી છે. જ્યારે અદાણી સંચાલિત એક જ પોર્ટ ઉપર પ્રાઈવેટ સિક્યોરીટી ગોઠવવામાં આવી છે જે દેશની સુરક્ષામાં માટે એક કાળી તીલી સમાન છે. 
 
અનઅધિકૃત સામાન લઈ જવા- લવવા માટે સ્વર્ગ સમાન પોર્ટ પર વર્ષોથી કાળો કોલસો આયાત કરતું અદાણી જૂથ લાખો ટનનો હેરફેર કરે છે અને કરોડોથી અબજો રૂપિયાના આયાતી ટેક્ષની ચોરી કરી દેશની તિજોરી પર મોટું નુક્સાન થઇ રહ્યું છે. સુરક્ષાની વાત થાય તો આઈ.બી, સી.બી.આઈ, રો સંસ્થાઓ પોર્ટને અંત્યંત આવશ્યક સુચનાઓ આપતી હોય છે. અગાઉ પોર્ટ પર ‘અલકાયદાના આતંકી ઘુસણખોરી કરી તેની વર્તમાન પત્રમાં યાદી જાહેર કરી હતી જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય. આ બાબતે કચ્છ પોલીસ અધિક્ષકનું પુછાણું લેવામાં આવ્યું હતું. આ પોર્ટ પર બનેલા પ્રાઈવેટ રન-વે પર પણ ખાનગી રીતે આવતા ભાજપ રાષ્ટ્રીય નેતા તેમજ ગુજરાતનાં નેતાઓની પણ સંડોવણી હોઈ શકે તે પણ એક પ્રશ્ન છે. કોંગ્રેસના પ્રદેશમંત્રી રફીક મારાએ વધુમાં જણાવ્યું હતું કે, હેરોઇન પકડાયાની ઘટના બન્યા બાદ કેન્દ્રની ભાજપ સરકાર અદાણી પોર્ટ પર નિયમોનુસાર સુરક્ષા આપશે કે કેમ તે પણ ગંભીર પ્રશ્ન છે. તાત્કાલિક અસરથી પોર્ટ પર દેશની સી.એસ.એફ (સેન્ટ્રલ સિક્યોરીટી ફોર્સ)ને સુરક્ષા આપવાનું ફરમાન કરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર