લોકડાઉન રિટર્ન થયું: રાજકોટ જીલ્લામાં ચા-પાનની દુકાનો બંધ

સોમવાર, 6 જુલાઈ 2020 (16:00 IST)
રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના કેસો અને સંક્રમણ વધતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને રાજકોટ જિલ્લામાં આવતીકાલથી ચા-પાનની દુકાનો આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. રાજકોટ શહેરમાં પણ સવારના આઠથી સાંજના પાંચ સુધી અમુક બજારો સ્વૈચ્છીક રીતે બંધ પાડશે તેવુ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં વ્યાપક પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે. કરફયુનો સમય પણ રાત્રીના 10થી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. હોટલ, લોજ, રેસ્ટોરન્ટને સાંજના 9 વાગ્યા સુધી ધંધો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા આઠ દિવસ દરમ્યાન કોરોનાના કેસમાં ઉછાળો આવતા રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને આવતીકાલથી રાજકોટ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં ચા-પાનની દુકાનો આઠ દિવસ સુધી બંધ રાખવાનો હુકમ કરતુ એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. આ સિવાયની દુકાનો પણ સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે તેવો પણ ઉલ્લેખ જીલ્લા કલેકટર રેમ્યા મોહને પોતાનાં જાહેરનામામાં કર્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં વ્યાપક છૂટછાટ બાદ છેલ્લા એક સપ્તાહમાં જ 200થી વધારે કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યા બાદ હવે લોકલ સંક્રમણ શરુ થઈ ગયુ છે. જેના પગલે આઠ દિવસ સુધી જીલ્લાની તમામ ચા-પાનની દુકાનો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાથોસાથ અન્ય દુકાનો પણ સવારના આઠથી બપોરના ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. દરમ્યાન રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખવા માટે શહેરમાં પોલીસ કમિશ્નર દ્વારા આક્રમક કાર્યવાહી શરુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે જયારે જીલ્લામાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને ટીમો ઉતારી દેવા અને સઘન ચેકીંગ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જીલ્લામાં અનલોક-ટુમાં વ્યાપક છૂટછાટ આપવામાં આવ્યા બાદ લોકો સમજદારી કેળવતા નથી. કામ વગર બહાર ન નીકળવુ, માસ્કનો ઉપયોગ કરવો, સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખવુ સહીતની રાજય સરકારની ગાઈડલાઈન પાળતા ન હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ખાળવા જીલ્લા કલેકટર રેમ્યા મોહને એવો નિર્દેશ પણ આપ્યો હતો કે આ આઠ દિવસ દરમ્યાન રાજકોટ જીલ્લામાં કોરોના પોઝીટીવના કેસો વધુ આવશે તો ચા-પાનની દુકાનો બંધ રાખવાનું જાહેરનામુ વધુ આઠ દિવસ લંબાવવામાં આવે. સાથો સાથ અન્ય દુકાનો પણ બંધ કરી દેવી અને માત્ર જીવનજરૂરી ચીજવસ્તુ વેચતી દુકાનોને જ નિશ્ચિત કલાકો સુધી ધંધો કરવાની છૂટ આપવામાં આવે તે મુદે વિચારણા કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન ધોરાજીમાં કોરોના પોઝીટીવના એક સાથે 11 જેટલા કેસો આવતા ધોરાજી દોડી ગયા હતા સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ નાયબ કલેકટર મીયાણીને આપી હોવાનું અંતમાં ઉમેર્યુ હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર