હવામાન વિભાગની આગાહી: ઠંડીમાં થશે ઘટાડો, ગુજરાતના આ વિસ્તારોમાં થઇ શકે છે માવઠું

સોમવાર, 30 ડિસેમ્બર 2019 (15:19 IST)
2019ના વર્ષનાં અંતિમ અઠવાડિયામાં હાડ ધ્રુજાવી દે તેવી ઠંડીનો સામનો કર્યા બાદ હવે ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની હવામાન ખાતાએ કરી આગાહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર છવાયેલા સાઇકલોનિક સરકયુલેશનની અસર હેઠળ ઠંડીમાં ઘટાડો નોંધાશે. મહત્તમ તાપમાન વધતું જશે, તેમજ માવઠાની પણ હવામાન ખાતાએ આગાહી કરી છે. અતિશય વરસાદ અને બાદમાં તીડથી પરેશાન ખેડૂતો માટે આ માવઠું નવી મુસીબત નોતરશે તે નક્કી છે. 
 
હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી સાઇકલોનિક સરકયુલેશનની અસર તળે ઠંડી ઘટવાની આગાહી કરી છે. તેમજ કોલ્ડ ડેની ચેતવણી પણ હટાવી દીધી છે. જો કે ત્યારબાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થશે તે નકકી છે. 30 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવતાં વાતાવરણમાં વિક્ષેપના લીધે રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે.
 
હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જે મુજબ, કમોસમી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે રાજ્યના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય તેવી સંભાવના છે. સ્વેટર પહેરવુ કે છત્રી લઈને નીકળવું તે સમજવું લોકો માટે અઘરુ બની રહ્યું છે. દિવાળી બાદ સતત કમોસમી વરસાદની સ્થિતિ ગુજરાતના હવામાનમાં પેદા થઈ છે. 
 
 
હવામાન જયોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ ઉપરાંત જાન્યુઆરી 2020ની 10 તારીખ સુધીમાં પણ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાત, મહારાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ રહે તેવા યોગ છે. ઉપરાંત જાન્યુઆરી 11થી સખત ઠંડી પડે. હમણાં ઠંડીમાં વધ-ઘટ રહે. અનેક કેટલાક ભાગોમાં કરા પણ પડે શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી છે. સાઇકલોનિક સરકયુલેશન હાલમાં સાઉથ-ઇસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર બન્યું છે. જેથી આજે ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શકયતા છે. જો કે હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે વરસાદ બિલ્કુલ હળવો રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર