ગુજરાતમાં નકલીનો વધુ એક ખેલ પ્રકાશમાં આવ્યો છે.મહેસાણામાં જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર નકલી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનો પર્દાફાશ તપાસ દરમિયાન થયો છે. માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ કેમ છૂટા નહીં કરવા એવી કારણદર્શક નોટીસ આપી 11 હેલ્થ વર્કર પાસે 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લામાં નકલી ડિગ્રી પર નોકરી કરતા હેલ્થ વર્કર ઝડપાયા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેથી હવે તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરાશે. રાજ્ય વિકાસ કમિશ્નરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં આ ખુલાસો થયો છે. આ ઘટનાને લઈ હવે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ 11 હેલ્થ વર્કરને નોટિસ આપી છે. હેલ્થ વર્કરોને નોટીસ આપી કેમ છૂટા નહીં કરવા તેનો 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે.
મહેસાણામાં નકલી ડિગ્રી પર નોકરી કરતાં 11 હેલ્થ વર્કરોએ તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર સહીતની યુનિવર્સિટીની ડિગ્રી પર નોકરી લીધી હતી.આ 11 લોકો વર્ષ 2011-12માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા. તેઓ ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણામાં નોકરી કરી રહ્યા છે. નકલી ડિગ્રીથી નોકરી મેળવી હોવાનો ખુલાસો થતાં હવે તેમને નોકરીમાંથી છુટા કરાશે.