ખાતાકિય પરીક્ષાઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો, ગુજરાત સરકાર પોલીસી બનાવશે

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (17:26 IST)
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારી ભરતી માટે ખાતાકિય પરીક્ષાનું નિયમિત આયોજન થાય તે બાબતે આજની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે. તે ઉપરાંત જે પરીક્ષાઓ લેવાઈ નથી અથવા તો પાછી ઠેલાઈ છે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી છે. 
 
તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર કરાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જે કર્મચારીઓને પ્રમોશન નથી મળ્યાં તે અંગે માળખું તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકાર હવે ખાતાકિય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે. જે પરીક્ષાઓમાં વિલંબ થયો છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર કરવામાં આવશે. 
 
21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાશે
તેમણે કહ્યું હતું કે, ઝડપી અને નિયમિત પરીક્ષાનું આયોજન થાય તે માટે આદેશ આપી દેવામાં આવ્યાં છે. આગામી 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાશે. પંડિત દિનદયાળ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકો સાથે યાત્રા નીકળશે. 
 
અંબાજી ખાતે 12 થી 15 તારીખ સુધી 2500 બસો દોડશે
તેમણે ઉમેર્યું કે, ધર્મસ્થાનોના વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અંબાજી ખાતે 12 થી 15 તારીખ સુધી 2500 બસો દોડશે તેમજ 5 દિવસમા 2થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ થશે જેમાં 40 રૂપિયા ઘન મીટર માટીનો ભાવ રૂ.52 કરાયો છે. જેમાં સરકાર 60 ટકા અને 40 ટકા લોકફાળો રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર