ગુજરાત કોંગ્રેસ બનાસકાંઠા બેઠક જીતનાર ગેનીબેન ઠાકોરનું સન્માન કરશે, તૈયારીઓ શરૂ કરાઈ

મંગળવાર, 11 જૂન 2024 (18:08 IST)
geniben
લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્ર સરકારના મત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવીને આ વખતે પણ હેટ્રિક કરવા માટે એડીચોટીનું જોર લગાડી દીધું હતું.પરંતુ બનાસકાંઠાની એક બેઠક પર કોંગ્રેસની જીત થતાં ભાજપનું ક્લિન સ્વીપનું સપનું અધુરૂ રહી ગયું છે. બનાસકાંઠાની બેઠક પર જીતેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા જઈ રહી છે.13 જુન ના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભાજપના રેખાબેન ચૌધરી સામે 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. તો રેખાબેનને 6,41,477 મત મળ્યા હતા. 
 
ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરશે
ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટાઈને આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. 
 
ગેનીબેને ચૂંટાયા બાદ પક્ષને સલાહ આપી હતી
ગેનીબેને કહ્યું હતું કે, બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય  એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી. જ્યારે ઈમાનદારીની વાત આવે તો કોંગ્રેસનો કોઈપણ કાર્યકર નાનામાં નાની ચૂંટણી મારી મદદથી લડવાનો હોય તો મેં એને પુરી મદદ કરીને જીતડવાના પ્રયત્નો કર્યા છે. માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર