Gujarat Temperature - ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર

મંગળવાર, 21 મે 2024 (12:34 IST)
ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં અગનવર્ષા થાય તેવી સ્થિતિ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. બે દિવસ રાત્રે પણ ગરમીની અસર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ તથા આણંદ, સુરત, સુરેન્દ્રનગર તથા પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે.

ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે. તેમજ સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, બનાસકાંઠામાં 45.1 ડિગ્રી તથા અમદાવાદમાં 44.1 ડિગ્રી, ગાંધીનગરમાં 44.9 ડિગ્રી અને મહેસાણામાં 44.2 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી, ભરૂચમાં 41.8 ડિગ્રી, વલસાડમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 42.6 ડિગ્રી, રાજકોટમાં 44.6 ડિગ્રી, અમરેલીમાં 44.6 ડિગ્રી, જામનગરમાં 44.1 ડિગ્રી તેમજ જૂનાગઢમાં 43.1 ડિગ્રી, ભુજમાં 44.3 ડિગ્રી તાપમાન છે.અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કાળઝાળ ગરમીને લઈ અમદાવાદ મનપાએ અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવુ જોઇએ. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી છે. જેમાં શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે. ઉપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની કોઈ પણ સંભાવના નથી. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગતરોજ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત આગામી પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગરમી વધવાની સાથે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા 19 દિવસમાં ગરમીથી ચક્કર આવવા, માથું દુ:ખવું, પેટમાં દુખાવો થવો, બે‌ભાન થવાના 5 હજારથી વધુ કેસ મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે. એપ્રિલના 30 દિવસમાં 6505 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી. રેડ એલર્ટને પગલે મ્યુનિ.એ બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરો માટે બપોરે 12થી 4 દરમિયાન કામગીરીમાંથી મુક્તિ માટે સંબંધિત કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. 48 વોર્ડમાં પણ પાણીની પરબ ઊભી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર