વનકર્મીને માર મારવાના કેસમાં હાઈકોર્ટે MLA ચૈતર વસાવાની આગોતરી જામીન અરજી ફગાવી

સોમવાર, 4 ડિસેમ્બર 2023 (18:43 IST)
chaitar vasava
દેડિયાપાડા તાલુકા વિસ્તારનાં ગામોમાં ગેરકાયદે ખેડાણને લઈને વન વિભાગના બિટગાર્ડને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવીને મારા માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યાર બાદ બિટગાર્ડ દ્વારા દેડિયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હવે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આજે આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજી ફગાવી હતી અને સવાલ કર્યો હતો કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતાં. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, ધારાસભ્ય પાસે જંગલના અધિકારીઓને બોલાવવાની સત્તા નથી. કોર્ટનુ કામ કોઈ ધારાસભ્ય કરી શકે નહીં. સરકારી વકીલે પણ કોર્ટમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો. 3 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર થઈ ગયાં છે. તેમના પત્ની શકુંતલા સહિતના 3 આરોપી જેલમાં છે.

છેલ્લા ત્રણ સપ્તાહ ઉપરાંતથી ચાલી રહેલાં વિવાદમાં હવે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવાએ જણાવ્યું હતું કે, તેમના પતિ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતી જાય તેમ હોવાથી ભાજપ સરકારે ખોટી રીતે કેસ કર્યો છે. વનકર્મીઓને માર મારવાની આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે. વન કર્મચારીઓએ ખોટી રીતે ગરીબ ખેડૂતનો પાક કાપી નાંખ્યો હતો. તેની સમજાવટ દરમિયાન બનેલી ઘટનાને અલગ સ્વરૂપ આપી પોલીસે કેસ કરી દીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર